
નવી દિલ્હી: આગામી 19મી એપ્રિલે લોકસભાની ચૂંટણી શરૂ થવાની હોવાથી દેશભરમાં સલામતીની બાબતમાં અનેક નવા પગલાં લેવામાં આવશે અને ખાસ કરીને આઇપીએલની મૅચો પણ આ જ અરસામાં યોજાઈ રહી હોવાથી સંબંધિત ફ્રૅન્ચાઇઝીઓના માલિકોને તેમની મૅચોના આયોજનની બાબતમાં સલામતીના શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને ખુદ ફ્રૅન્ચાઇઝીઓએ પોતાની ટીમની સુરક્ષા માટે શું સાવચેતીઓ રાખવી એ વિશે બીસીસીઆઇ તમામ ફ્રૅન્ચાઇઝીઓને વાકેફ કરતી જ હશે.
જોકે આગામી 16મી એપ્રિલે અમદાવાદમાં ક્રિકેટ બોર્ડે આઇપીએલના તમામ ફ્રૅન્ચાઇઝીઓના માલિકોને અમદાવાદ ખાતેની અનૌપચારિક મીટિંગમાં હાજરી આપવા કહી દીધું છે. એ જ દિવસે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મૅચ રમાવાની છે અને એ જ સમયે શહેરમાં બીસીસીઆઇની આ મહત્ત્વની બેઠક યોજાશે. આ મીટિંગમાં બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, સચિવ જય શાહ તથા આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલ હાજર રહેશે.
બીસીસીઆઇના એક અધિકારીએ પીટીઆઇને કહ્યું હતું કે ‘અમદાવાદની આ મીટિંગ માટે કોઈ એજન્ડા નથી બન્યો. બાવીસમી માર્ચે શરૂ થયેલી આઇપીએલ બીજા મહિનામાં પ્રવેશી હોવાથી બધા માલિકોને ભેગા કરવાનું અમે નક્કી કર્યું છે.’
અમદાવાદની 16મી એપ્રિલની મીટિંગ વિશે કેટલાક કારણો ચર્ચામાં છે. આ વર્ષના અંતે 2025ની આઇપીએલ માટેનું પ્લેયર્સ-ઑક્શન યોજાશે અને એ બાબતમાં ખેલાડીઓને રીટેન કરવા બાબતમાં તેમ જ હરાજી માટે પ્રત્યેક ફ્રૅન્ચાઇઝીને કેટલું ફંડ તૈયાર રાખવું એની મર્યાદા નક્કી કરવા વિશે પણ ચર્ચા કરાશે. હાલમાં દરેક ફ્રૅન્ચાઇઝી માટે 100 કરોડ રૂપિયાના ફંડની લિમિટ હતી. હાલમાં દરેક ટીમને ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે. ખેલાડીઓના મોટા સ્તરનું ઑક્શન દર ત્રણ વર્ષે યોજાય છે. છેલ્લે એ 2022માં યોજાયું હતું અને હવે પછી 2025ની આઇપીએલ પહેલાં યોજાશે.