સ્પોર્ટસ

આઇપીએલના ઈજાગ્રસ્ત ખેલાડીઓની સૅલરી વિશે શું નિયમ છે?

ચેન્નઈ: 2008માં (16 વર્ષ પહેલાં) શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સીઝન શરૂ થવાને માંડ બે દિવસ બાકી છે ત્યારે ઘણી ટીમોને જેમાં ખાસ કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને એક પછી એક ખેલાડીની ઈજાના બૅડ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપનર ડેવૉન કૉન્વે તેમ જ પેસ બોલર મથીશા પથિરાના અને મુસ્તફિઝુર રહમાનની ઈજાને લીધે ચિંતિત સીએસકેની ટીમ બાવીસમી માર્ચે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે રમીને ટૂર્નામેન્ટનો આરંભ કરશે.

આ સમયે ઘણા ક્રિકેટપ્રેમીઓના મનમાં સવાલ થતો હશે કે ખેલાડી જો ઈજા પામે કે એને કારણે ન રમી શકે તો તેને આઇપીએલના તેના ફ્રૅન્ચાઇઝી દ્વારા પેમેન્ટ થવાની બાબતમાં શું નિયમ છે?

2023ની સાલમાં જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને પ્રસિદ્ધ ક્રિષ્ના તેમ જ ઘણા વિદેશી ખેલાડીઓ ઈજાને લીધે નહોતા રમી શક્યા. આ વખતે મોહમ્મદ શમી નથી રમવાનો અને રિષભ પંત ઘૂંટણના ઑપરેશન પછી 16 મહિને પાછો રમવા આવી રહ્યો છે ત્યારે તે દિલ્હી કૅપિટલ્સ વતી કેટલું અને કેવું રમી શકશે એ સવાલ છે. લખનઊની ટીમના સુકાની કેએલ રાહુલને શરૂઆતની મૅચોમાં વિકેટકીપિંગ ન કરવાની સલાહ અપાઈ છે.

કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટના આરંભ પહેલાં જ બહાર થઈ જતા હોય છે તો કેટલાકને સ્પર્ધા દરમ્યાન ઈજા થતી હોય છે. આ સ્થિતિમાં ફ્રૅન્ચાઇઝીએ તેના જેવા જ કાબેલ ખેલાડીને બાકીની મૅચો માટે શોધવો પડે છે તો અમુક કિસ્સામાં ખેલાડીને પૂરું પેમેન્ટ કરવું પડે છે.

નિયમ એવો છે કે જો કોઈ પ્લેયર આઇપીએલ શરૂ થતાં પહેલાં જ ઈજા કે બીજા કોઈ કારણસર સ્પર્ધાની બહાર થઈ જાય તો તેના ફ્રૅન્ચાઇઝીએ તેને કંઈ જ પૈસા ન આપવા પડે. ગયા વર્ષે બુમરાહ, પંત તેમ જ કાઇલ જૅમિસન અને ઝાય રિચર્ડસનને તેમના ફ્રૅન્ચાઇઝીએ કંઈ જ પૈસા નહોતા આપવા પડ્યા.

જો કોઈ ખેલાડી ઈજાને કારણે અમુક મૅચો માટે ઉપલબ્ધ ન થયો હોય તો તેના ફ્રૅન્ચાઇઝીએ તેને જેટલી મૅચો માટે તે ઉપલબ્ધ થયો હોય એટલી મૅચોના જ પૈસા (પ્રો-રેટા ધોરણે) આપવા પડે. જો ટૂર્નામેન્ટ દરમ્યાન કોઈ ખેલાડી તેના ફ્રૅન્ચાઇઝીને કહે કે મને ટીમમાંથી છૂટો કરી દો, તો એ ખેલાડીને તેનું ફ્રૅન્ચાઇઝી પ્રો-રેટા ધોરણે પેમેન્ટ કરશે. જોકે ફ્રૅન્ચાઇઝી પોતે જ કોઈ ખેલાડીને રિલીઝ કરી દે તો એ ફ્રૅન્ચાઇઝીએ તેને ફુલ પેમેન્ટ આપવું પડે.

જો ટૂર્નામેન્ટ દરમ્યાન કોઈ પ્લેયર ઈજા પામે તો તેના ફ્રૅન્ચાઇઝીએ તેનો સંપૂર્ણ તબીબી ખર્ચ ઊપાડવો પડે અને જો એ ખેલાડી ત્યારે ઈજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઈ જાય તો તેને ફ્રૅન્ચાઇઝી તરફથી ફુલ પેમેન્ટ મળશે.

જે પ્લેયર આખી આઇપીએલ રમે તો તમામ મૅચો માટેનું અથવા તે જેટલી મૅચોમાં રમવા માટે ઉપલબ્ધ રહે એ જ મૅચો માટેનું પેમેન્ટ તેનું ફ્રૅન્ચાઇઝી તેને આપે છે. કોઈક ફ્રૅન્ચાઇઝી પોતાના ખેલાડીઓને ટૂર્નામેન્ટની શરૂઆતમાં 50 ટકા પેમેન્ટ અને બાકીના 50 ટકા ટૂર્નામેન્ટના અંતે આપે છે. અમુક ફ્રૅન્ચાઇઝી વર્ષ દરમ્યાન ત્રણ તબક્કામાં અથવા પહેલાં 10 ટકા, પછી 40 ટકા, 20 ટકા અને 30 ટકા પેમેન્ટ કરતું હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button