IPL 2024સ્પોર્ટસ

IPL-24 Play-Off : ચાર બૅટર્સના ઝીરો છતાં હૈદરાબાદ (SRH)નો કોલકાતા (KKR)ને 160 રનનો લક્ષ્યાંક

અમદાવાદ: અહીં મોટેરામાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની 17મી સીઝનની પ્રથમ પ્લે-ઑફ (ક્વૉલિફાયર-વન)માં સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના ટૉપ-ઑર્ડરે ટીમનું નામ બોળ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની આ મૅચમાં નવો તોતિંગ સ્કોર કે નવા વિક્રમો જોવા મળશે એવી સંભાવના હતી, પરંતુ હૈદરાબાદની ટીમ 19.3 ઓવરમાં 159 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.


હૈદરાબાદના ચાર બૅટરે ઝીરોમાં વિકેટ ગુમાવી હતી. એક ઘડીએ 39 રનમાં ચાર વિકેટ પડી ચૂકી હોવાથી એવું લાગતું હતું કે આ સીઝન દરમ્યાન 277 રનનો અને પછી 287 રનનો આઇપીએલ-રેકૉર્ડ નોંધાવનાર હૈદરાબાદની ટીમ 100 રન પણ કદાચ પૂરા નહીં કરી શકે. જોકે પહેલા વનડાઉન બૅટર રાહુલ ત્રિપાઠી (પંચાવન રન, 35 બૉલ, એક સિક્સર, સાત ફોર) તથા વિકેટકીપર હિન્રિચ ક્લાસેને (32 રન, 21 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને છેલ્લે કૅપ્ટન પૅટ કમિન્સે (30 રન, 24 બૉલ, બે સિક્સર, બે ફોર) કોલકાતાના બોલર્સને જોરદાર લડત આપીને પોતાની ટીમને 159 રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું.


હૈદરાબાદની શરૂઆત બહુ ખરાબ થઈ હતી. ટ્રેવિસ હેડ બીજા બૉલે ઝીરોમાં, અભિષેક શર્મા ચોથા બૉલે ત્રણ રનના પોતાના સ્કોરે, નીતિશ રેડ્ડી દસમા બૉલે નવ રનના પોતાના સ્કોરે અને શાહબાઝ અહમદ પહેલા બૉલે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. હૈદરાબાદની પહેલી ચારમાંથી ત્રણ વિકેટ આઇપીએલના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે લીધી હતી.
વનડાઉન બૅટર રાહુલ ત્રિપાઠીએ ટીમનો ધબડકો અટકાવવાની ઘણી કોશિશ કરી હતી અને હિન્રિચ ક્લાસેન સાથે તેણે પાંચમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી, પરંતુ 11મી ઓવરમાં 101 રનના ટીમ-સ્કોર પર ક્લાસેનની વિકેટ પડતાં ફરી ધબડકો શરૂ થયો હતો. ત્રિપાઠી બૅકવર્ડ પૉઇન્ટ પર રસેલની અફલાતૂન ફીલ્ડિંગ બાદ રન દોડવાની ઉતાવળમાં અને ગેરસમજને કારણે રનઆઉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. કાશ્મીરના અબ્દુલ સામદે 12 બૉલમાં બે સિક્સરની મદદથી 16 રન બનાવ્યા હતા, પરંતુ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે લેવામાં આવેલો ઑલરાઉન્ડર સનવીર સિંહ અને ભુવનેશ્ર્વર કુમાર પણ ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા.


રાહુલ-ક્લાસેનની ભાગીદારી પછી માત્ર કૅપ્ટન પૅટ કમિન્સે કોલકાતાના બોલર્સને જોરદાર લડત આપી હતી. કમિન્સની વિકેટ છેલ્લી હતી અને શ્રીલંકાનો વિજયકાંત વિયાસકાંત 16 મિનિટ સુધીની બૅટિંગમાં બનાવેલા સાત રને અણનમ રહ્યો હતો.


આ મૅચ બૅટિંગના બે પાવરહાઉસ વચ્ચેની મનાતી હતી અને એમાં બન્ને ટીમના બૅટર્સ તોતિંગ સ્કોર સાથે પોતાને ચડિયાતા પુુરવાર કરવાનો પ્રયત્ન કરશે એવું મનાતું હતું, પરંતુ હૈદરાબાદના બૅટર્સ એમાં નબળા સાબિત થયા હતા.
કોલકાતાના બોલર્સમાં સ્ટાર્કને ત્રણ તેમ જ સ્પિનર વરુણ ચક્રવર્તીને બે વિકેટ અને વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…