
મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણી માટેની તારીખોની જાહેરાત પહેલાં જ બીસીસીઆઇએ આ વખતની આઇપીએલની પહેલી 21 મૅચની તારીખ જાહેર કરી દીધી હતી, પણ હવે બાકીની મૅચો એટલે કે સેકન્ડ હાફની મૅચો યુએઇમાં રાખવા વિચારણા થઈ રહી છે.
ક્રિકેટ બોર્ડના અધિકારીઓ આ હેતુસર દુબઈ ગયા હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
બીસીસીઆઇએ જાહેર કરેલી પહેલી 21 મૅચમાંની 21મી મૅચ સાતમી એપ્રિલે લખનઊમાં રમાશે અને ત્યાર પછીની મૅચો યુએઇમાં રાખવા માટે કઈ શક્યતાઓ છે એ તપાસવા અધિકારીઓ દુબઈ ગયા છે.
આ વખતની આઇપીએલમાં પહેલી મૅચ રાતે 8.00 વાગ્યે શરૂ થશે. ત્યાર પછીની મૅચો માટે સાંજે 7.30 વાગ્યે અને બપોરે 3.30 વાગ્યાનો સમય નક્કી કરાયો છે.
2009માં આઇપીએલનું બીજું વર્ષ હતું અને ત્યારે ચૂંટણીને ટાંણે આઇપીએલ રમાવાની હોવાથી આખી ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રખાઈ હતી.