
હૈદરાબાદ: ક્રિકેટના મહાસંગ્રામ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની શરૂઆત ધમાકેદાર રહી છે. ગઈ કાલે બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ(MI) વચ્ચે રમાયેલી સિઝનની 8મી મેચમાં ઘણા રેકોર્ડ્સ સર્જાયા હતા. આ મેચ ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે.
આ રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) એ પ્રથમ બેટિંગ કરતા IPL ઈતિહાસમાં સૌથી વધુ 277 રનનો સ્કોર બનાવ્યો હતો. SRH ઇનિંગમાં પહેલા ટ્રેવિસ હેડ(Travis Head)ની તોફાની બેટિંગ જોવા મળી હતી, હેડે 18 બોલમાં ફટકારી આ સિઝનની સૌથી ફાસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલો ટ્રેવિસ હેડ 24 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. હેડે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટ્સમેન આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો, જેણે SRH સામેની મેચમાં 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
હેડના પવેલિયન પરત ફર્યા બાદ અભિષેક શર્મા(Abhishek Sharma)એ MIના બોલર્સની ધોલાઈ કરી હતી હતી, તેણે થોડી જ મિનિટો પહેલા હેડે બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અભિષેક શર્માએ માત્રે 16 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી, અભિષેક 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી આઉટ થયો હતો.
આમ એક જ મેચમાં આ સિઝનની ‘ફાસ્ટેસ્ટ ફિફ્ટી’નો રેકોર્ડ બે વખત તુટ્યો હતો. હેડ અને અભિષેક બાદ વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને પણ તોફાની બેટિંગ કરી હતી, તેને માત્ર 34 બોલમાં 80 રનની અણનમ ઇનિંગ રમી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે IPLના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે. તેણે રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા 11 મે 2023ના રોજ KKR સામે 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અભિષેક આ યાદીમાં ચોથા નંબર પર આવી ગયો છે.