નવી દિલ્હી: ફિરોજશા કોટલા સ્ટેડિયમ (નવું નામ અરુણ જેટલી સ્ટેડિયમ)માં શનિવારે (બપોરે 3.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે જે મુકાબલો થશે એમાં પરાજિત થનારી ટીમ આઇપીએલની આ સીઝનની એક્ઝિટની વધુ નજીક પહોંચશે, જ્યારે વિજયી ટીમ પ્લે-ઑફની દિશા તરફ આગળ વધશે.
દિલ્હીની ટીમ તળિયેથી છઠ્ઠા નંબર પર આવી એમાં કૅપ્ટન રિષભ પંત અને સ્પિનર કુલદીપ યાદવના સૌથી મોટા યોગદાનો છે. પંત 342 રન સાથે તમામ બૅટર્સમાં ચોથા નંબરે હતો અને કુલદીપ 12 વિકેટ સાથે બધા બોલર્સમાં ચોથા સ્થાને હતો. પંતને કાબૂમાં રાખવા મુંબઈ પાસે જસપ્રીત બુમરાહ નામનું સૌથી મોટું શસ્ત્ર છે, પરંતુ કુલદીપને પર્પલ કૅપ માટે એક જ શિકારની જરૂર છે એટલે તેના કાંડાની કરામત સામે મુંબઈના બૅટર્સે ખાસ ચેતવું પડશે. પંતની સૌથી મોટી વિશેષતા એ છે કે મિડલની ઓવર્સમાં તેના જેવું કોઈ બૅટર આ સીઝનમાં રમી શક્યો નથી.
પંતે 342માંથી 243 રન મિડલ ઓવર્સમાં બનાવ્યા છે, પરંતુ જો બુમરાહને મિડલમાં કોઈ ઓવર અપાશે અને પંત સ્ટ્રાઇક પર હશે તો તેનું આવી જ બન્યું, કારણકે બુમરાહ તેને 13 મુલાકાતમાં છ વખત આઉટ કરી ચૂક્યો છે.
પંતને બુમરાહ કરતાં વધુ કોઈ બોલર ભારે નથી પડ્યો. બીજું, બુમરાહ સામે પંતનો માત્ર 111.6નો સ્ટ્રાઇક-રેટ છે. બુમરાહ સામે પૃથ્વી શો પણ 16 બૉલમાં બે વખત આઉટ થઈ ચૂક્યો છે. ડેવિડ વૉર્નર આંગળીની ઈજાને કારણે હજી પણ ઉપલબ્ધ નથી એટલે દિલ્હીએ હોમ-ગ્રાઉન્ડ પર ખૂબ સંઘર્ષ કરવો પડશે.
બીજી તરફ, દિલ્હી સામે રોહિત શર્માનો રેકૉર્ડ બહુ સારો છે. જો તે પાછો ફૉર્મમાં આવી જશે તો વિરાટ કોહલીનો એક રેકૉર્ડ તૂટી ગયો જ સમજો. બેન્ગલૂરુના કોહલીએ દિલ્હી સામે સૌથી વધુ કુલ 1,030 રન બનાવ્યા છે, જ્યારે રોહિતે 1,026 રન બનાવ્યા છે. રોહિત પાંચ રન કરશે એટલે કોહલીનો દિલ્હી સામેનો રેકૉર્ડ તૂટી જશે.
જોકે રોહિતને અક્ષર પટેલ સામે રમવું બહુ નથી ફાવતું. દિલ્હીના અક્ષરે રોહિતને 10માંથી ત્રણ મૅચમાં આઉટ કર્યો છે. બીજી તરફ, દિલ્હીના પેસ બોલર ખલીલ અહમદે હાર્દિકપંડ્યાને 26 બૉલમાં ત્રણ વખત પૅવિલિયનમાં મોકલ્યો છે.
આ બધુ જોતાં શનિવારે વ્યક્તિગત રીતે ઘણા રોમાંચક મુકાબલા જોવા મળશે.
હેડ-ટુ-હેડ ટક્કરમાં મુંબઈનો હાથ થોડો ઉપર છે. કુલ 34 મુકાબલામાંથી 19માં મુંબઈની અને 15માં દિલ્હીની જીત થઈ છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઈ: હાર્દિક પંડ્યા (કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, મોહમ્મદ નબી, જેરાલ્ડ કૉએટ્ઝી, પીયૂષ ચાવલા અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયર: નુવાન થુશારા/રોમારિયો શેફર્ડ
દિલ્હી: રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), પૃથ્વી શો, જેક ફ્રેઝર-મૅકગર્ક, શાઇ હોપ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઍન્રિક નોર્કિયા/ઝયે રિચર્ડસન, મુકેશ કુમાર અને ખલીલ અહમદ. 12મો પ્લેયર: રસિખ સલામ.