ટોપ ન્યૂઝસ્પોર્ટસ

યુદ્ધના માહોલમાં ધરમશાલાની પંજાબ-દિલ્હી મૅચ રદઃ આઇપીએલની બાકીની મૅચો પર `કાળા વાદળ’

ધરમશાલાઃ પાકિસ્તાન સાથેના યુદ્ધના વાતાવરણ વચ્ચે અહીં હિમાચલ પ્રદેશના ધરમશાલા (DHARAMSHALA)શહેરમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની આઇપીએલ-મૅચ પાકિસ્તાનના હુમલાને પગલે પહેલાં અટકાવવામાં આવી હતી અને પછી રદ જાહેર કરાઈ હતી. સલામતીના કારણસર સ્ટેડિયમને તરત ખાલી કરવામાં આવ્યું હતું. શુક્રવારે લખનઊ શહેરમાં લખનઊ-બેંગલૂરુ વચ્ચેની મૅચ પણ રમાશે કે કેમ એમાં શંકા છે. આઇપીએલ (IPL)ની બાકીની મૅચો વિશે કે શેડ્યૂલ બાબતમાં પણ આગામી દિવસોમાં મોટો નિર્ણય લેવાય એવી સંભાવના છે. રવિવારની મુંબઈ-પંજાબની ધરમશાલા ખાતેની મૅચ અમદાવાદમાં રાખવામાં આવી હોવાની ગુરુવારે બપોરે જાહેરાત કરાઈ હતી.
આ મૅચ કૅન્સલ કરાઈ ત્યારે પ્રથમ બૅટિંગ લેનાર પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન હતો. પ્રિયાંશ આર્ય (70 રન, 34 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) ધમાકેદાર ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેની અને સાથી ઓપનર પ્રભસિમરન સિંહ (50 નૉટઆઉટ, 28 બૉલ, સાત ફોર) વચ્ચે 122 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. દિલ્હીના છ બોલરમાં માત્ર ટી. નટરાજનને એક વિકેટ મળી હતી.

એ પહેલાં, કૅપ્ટન શ્રેયસ ઐયરે દિલ્હી સામેની મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી. વરસાદના વિઘ્નને લીધે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી એમ છતાં બન્ને ટીમે 20-20 ઓવરની મૅચ રમવી એવી સૂચના અપાઈ હતી.
પંજાબની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, જ્યારે દિલ્હીએ વિપ્રજ નિગમના સ્થાને માધવ તિવારીને ટીમમાં સમાવ્યો હતો.
પંજાબ વતી ઓપનરો પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે બહુ સારી શરૂઆત કરી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે પંજાબનો સ્કોર સાત ઓવરમાં વિના વિકેટે 79 રન હતો. પ્રિયાંશ ચાર સિક્સર અને ચાર ફોરની મદદથી બનેલા 50 રન પર અને પ્રભસિમરન 28 રને રમી રહ્યો હતો. પ્રિયાંશે પચીસ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button