કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સે લખનઊ સુપર જાયન્ટ્સને આઇપીએલમાં પહેલી જ વાર હરાવ્યું છે.
આઇપીએલમાં અગાઉની ત્રણેય મૅચમાં કોલકાતા સામે લખનઊએ જ વિજય મેળવ્યો હતો.
ઈડન ગાર્ડન્સમાં યજમાન કોલકાતાએ 162 રનનો લક્ષ્યાંક 15.4 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. એ સાથે, કોલકાતાની ટીમ આઠ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સમાં બીજા નંબર પર આવી ગઈ હતી. રાજસ્થાન (10 પૉઇન્ટ) હજીયે મોખરે છે.
પહેલાં તો કોલકાતાના સૌથી મોંઘા બોલર મિચલ સ્ટાર્કે (4-0-28-3) લખનઊની ટીમને ક્ધટ્રોલમાં રાખી હતી અને પછી બૅટિંગમાં ઇંગ્લૅન્ડથી રમવા આવેલા 27 વર્ષીય વિકેટકીપર-બૅટર ફિલ સૉલ્ટે (89 અણનમ, 47 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર) બેનમૂન ઇનિંગ્સ રમ્યો હતો. તેની સાથે કૅપ્ટન શ્રેયસ ઐયર (38 રન, 38 બૉલ, છ ફોર) અણનમ રહ્યો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 120 રનની અતૂટ અને મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. કોલકાતાને એક્સ્ટ્રાના કુલ બાવીસ રન મળ્યા હતા.
ફિલ સૉલ્ટ ઇંગ્લૅન્ડ વતી 40 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂક્યો છે. તેણે બે કૅચ (સ્ટોઇનિસ, પૂરન)ના કૅચ પણ પકડ્યા હતા.
ઍક્ટર શાહરુખ ખાન તથા જૂહી ચાવલાની સહ-માલિકીવાળી કોલકાતાની ટીમના ફ્રૅન્ચાઇઝીએ સૉલ્ટને 1.5 કરોડ રૂપિયાામાં મેળવ્યો છે. ઇંગ્લૅન્ડનો જ જેસન રૉય આઇપીએલમાંથી નીકળી જતાં કોલકાતાની ટીમે સૉલ્ટને બોલાવ્યો હતો.
કોલકાતાનો બીજો ઓપનર સુનીલ નારાયણ (6 રન) અને અંગક્રિશ રઘુવંશી (7) સસ્તામાં આઉટ થઈ ગયા બાદ સૉલ્ટ-શ્રેયસ વચ્ચેની યાદગાર પાર્ટનરશિપે કોલકાતાને વિજય અપાવ્યો હતો.
કોલકાતાની બન્ને વિકેટ મોહસિન ખાને લીધી હતી. નવા કૅરિબિયન ફાસ્ટ બોલર શમાર જોસેફની ચાર ઓવરમાં 47 રન બન્યા હતા અને તેને વિકેટ નહોતી મળી. તેની ડેબ્યૂ ઓવરમાં કુલ બાવીસ રન બન્યા હતા જેમાંના 14 રન છઠ્ઠા બૉલમાં બન્યા હતા. એ 14 રનમાં સ્કોરિંગ શૉટથી બનેલા રન ઉપરાંત નો-બૉલ અને વાઇડના એક્સ્ટ્રા રન પણ સામેલ હતા. લખનઊના કૃણાલ પંડ્યા, યશ ઠાકુર, અર્શદ ખાન અને રવિ બિશ્નોઈને પણ વિકેટ નહોતી મળી.
એ પહેલાં, લખનઊએ સાત વિકેટે 161 રન બનાવ્યા હતા જેમાં નિકોલસ પૂરન (ચાર સિક્સર, બે ફોરની મદદથી 45 રન) ટૉપ-સ્કોરર હતો.
કોલકાતાના વિકેટકીપર-બૅટર ફિલ સૉલ્ટને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
Taboola Feed