પ્લેઓફમાં પહોંચેલી કેકેઆર સામે ગુજરાત ટાઈટન્સને ચમત્કારની આશા
અમદાવાદ: ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2024)માં આવતીકાલે અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકત્તા નાઇટરાઇડર્સ (KKR) વચ્ચે મેચ રમાશે. કોલકત્તાની ટીમ આઇપીએલની પ્લેઓફમાં પહોંચી ચૂકી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સને પ્લે ઓફમાં પહોંચવા માટે કોઇ ચમત્કારની જરૂર છે.
ગુજરાત ટાઇટન્સ જો પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખવા માંગતી હોય તો તેમણે કોલકાતાને મોટા અંતરથી હરાવવું પડશે. કોલકત્તા હાલમાં પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ગિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલમાં આ તેની ચોથી સદી હતી. તેના સિવાય સાઈ સુદર્શને પણ સદી ફટકારી હતી.
હાલમાં સાત ટીમ પ્લેઓફની રેસમાં છે. રાજસ્થાન રોયલ્સ (16) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (14) બીજા અને ત્રીજા સ્થાને છે. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સના સમાન 12 પોઈન્ટ છે. ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 10 પોઈન્ટ છે અને તેઓ મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
ટાઇટન્સનો નેટ રન રેટ સારો નથી અને આવી સ્થિતિમાં જો ટીમ અંતિમ ચારમાં સ્થાન મેળવવા માંગે છે તો તેમને ચમત્કારની આશા રાખવી પડશે. ટાઇટન્સના બોલરો આ સીઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. તેમના ઝડપી બોલરોમાં સાતત્યનો અભાવ છે, જ્યારે સ્પિનરો રન આપી રહ્યા છે.
જોકે ચેન્નઈ સામેની છેલ્લી મેચમાં તેણે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બોલિંગમાં અનુભવી મોહિત શર્મા અને રાશિદ ખાનનું પ્રદર્શન ટીમ માટે ઘણું મહત્વપૂર્ણ રહેશે. ગુજરાતના ટોપ ઓર્ડરે બેટિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે. છેલ્લી મેચ સિવાય બાકીની મેચોમાં તેના ટોચના બેટ્સમેનો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા ન હતા. ગિલ અને સુદર્શને છેલ્લી મેચમાં પ્રથમ વિકેટ માટે 210 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.
જ્યાં સુધી કોલકત્તાનો સવાલ છે, તે ટોચ પર તેની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. તેમને ટોચની બે ટીમોમાં રહેવા માટે બાકીની બે મેચમાં માત્ર એક જીતની જરૂર છે. કોલકત્તાએ છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
સુનીલ નરેન અત્યાર સુધી કોલકત્તા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે. તેણે અત્યાર સુધીમાં 461 રન કરવાની સાથે 15 વિકેટ પણ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝના અન્ય ખેલાડી આન્દ્રે રસેલે પણ 222 રન કરીને 15 વિકેટ ઝડપી છે. લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ અત્યાર સુધી 18 વિકેટ ઝડપી છે.
Taboola Feed