IPL 2025 Mega Auctionમાં તૂટ્યા ઘણા રેકોર્ડ્સ, 13 વર્ષના ખેલાડી પર લાગી બોલી, જાણો રસપ્રદ ફેક્ટસ
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 નું મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં (IPL Mega Auction) યોજાયું. આ ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ પર બોલી લાગી, કુલ 639 કરોડ રૂપિયા ખર્ચાયા.
પંત અને અય્યર થયા માલામાલ:
રિષભ પંતને IPLના ઈતિહાસમાં સૌથી મોંઘી કિંમત 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયા અને વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયા મળ્યા.
આટલા ખેલાડીઓ પર લાગી બોલી:
બે દિવસ સુધી ચાલેલા આ મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ સામેલ થયા હતા. તેમાંથી 182 ખેલાડીઓ ખરીદાયા હતા, જેમાં 62 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે 395 ખેલાડીઓ માટે કોઈએ બોલી લગાવી ન હતી.
10 ટીમોએ મળીને કુલ આઠ રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ મળીને 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પ્રથમ દિવસે બેટ્સમેન અને ઓલરાઉન્ડરોનો દબદબો જોવા મળ્યો હતો, જ્યારે બીજા દિવસે ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો.
બીજા દિવસે ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, આકાશ દીપ અને મુકેશ કુમાર માટે મોટી બોલી લગાવવામાં આવી હતી. RCBએ ભુવનેશ્વરને રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો, મુંબઈ ઈન્ડિયન્સે દીપક ચાહરને રૂ. 9.25 કરોડમાં અને મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે રૂ. 8 કરોડમાં ખરીદ્યો.
મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો હતો. મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઇટન્સે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મિચેલ સ્ટાર્કને દિલ્હીએ 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિલ્હીએ કેએલ રાહુલને 14 કરોડમાં ખરીદ્યો હતો. રવિચંદ્રન અશ્વિન ચેન્નાઈની ટીમમાં પરત ફર્યો, સુપર કિંગ્સે તેને 9.75 કરોડમાં ખરીદ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટને મુંબઈ ઈન્ડિયન્સે 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો : IPL Auction: અર્જુન તેંડુલકરને કોને ખરીદ્યો, 13 વર્ષનો ટેણિયો બન્યો કરોડપતિ!
13 વર્ષના ખેલાડી પર લાગી બોલી:
આ વખતે 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ હરાજીમાં ઉતર્યો જેની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી. વૈભવને રાજસ્થાન રોયલ્સે હરાજીમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે IPLની હરાજીમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. આ હરાજીમાં રૂ. 25 કરોડનો આંકડો પ્રથમ વખત પાર થયો હતો. ગયા વર્ષે, મીની ઓક્શનમાં, બે ખેલાડીઓ, કમિન્સ અને સ્ટાર્ક, પ્રથમ વખત રૂ. 20 કરોડનો આંકડો પાર કર્યો હતો, જ્યારે આ વર્ષે પંત અને શ્રેયસે રૂ. 25 કરોડનો આંકડો પાર કર્યો હતો.
આ ખેલાડીઓ પર કોઈએ બોલી ના લગાવી:
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નર, ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, જેમ્સ એન્ડરસન, પૃથ્વી શૉ અને કેન વિલિયમસન સહિત ઘણા ખેલાડીઓને બીજા દિવસે પણ કોઈ ખરીદદાર મળ્યો ન હતો. શરૂઆતમાં, દેવદત્ત પડિકલ અને અજિંક્ય રહાણે જેવા ભારતીય ખેલાડીઓને કોઈએ ખરીદ્યા નહોતા, પરંતુ બાદમાં RCBએ પડિકલનો સમાવેશ કર્યો અને KKRએ રહાણેને પોતાની ટીમમાં સામેલ કર્યો. સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને આખરે મુંબઈ ઈન્ડિયન્સે તેની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
છ ખેલાડીઓને 20 કરોડ રૂપિયાથી વધુનો પગાર મળશે
આગામી સિઝનમાં છ એવા ખેલાડીઓ હશે જેમની સેલેરી 20 કરોડ રૂપિયાથી વધુ હશે. પંત અને શ્રેયસ ઉપરાંત તેમાં વેંકટેશ ઐયર, હેનરિક ક્લાસેન, વિરાટ કોહલી અને નિકોલસ પૂરનનો સમાવેશ થાય છે. તે જ સમયે, 44 ખેલાડીઓનો પગાર 10 કરોડથી 20 કરોડ રૂપિયાની વચ્ચે હશે.