IPL 2024: સીએસકેને વધુ એક મોટો ઝટકો, આ સ્ટાર પ્લેયર ઇન્જરીને લીધે થઈ શકે છે બહાર
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ને માત્ર થોડો જ સમય રહ્યો છે. 22 માર્ચથી શરૂ થનારી આઇપીએલની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે થવાની છે. જોકે સિઝનની પહેલી જ મેચમાં સીએસકેને વધુ એક મોટો ફટકો લાગી શકે છે. થોડા સમય પહેલા સીએસકેના ઓપનર ડેવોન કોનવેને ઇજા થતાં તે સીએસકેની શરૂઆતની મેચમાંથી બહાર થયા હતા અને હવે સીએસકેનો વધુ એક સ્ટાર ખેલાડી જખમી થતાં સીએસકેની ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
એક અહેવાલ મુજબ શ્રીલંકાનો પેસ બૉલર મથીશા પથિરાનાને બાંગલાદેશ સાથેની ટી-20 ઇન્ટરનેશનલ મેચ દરમિયાન ઇજા થઈ હતી જેથી તે મેચ વચ્ચેથી જ બહાર ગયો હતો અને તે પછી મેચમાં પણ જોવા મળ્યો નહોતો. મથીશા પથિરાનાને ઇજા થતાં સીએસકેના ફેન દુઃખી થઈ ગયા છે.
સીએસકેના સ્ટાર પેસર મથીશા પથિરાનાએ સીએસકેને ગયા વર્ષની આઇપીએલમાં જીત અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. તેણે 12 મેચમાં 19 વિકેટ લીધી હતી અને તે ચેન્નઈ માટે ડેથ ઓવરમાં બોલિંગ કરી અનેક વખત મેચમાં જીત અપાવી હતી. અહેવાલ મુજબ મથીશા પથિરાનાને ગ્રેડ-એક હેમસ્ટ્રિંગની ઇજા થઈ છે, જેમાથી રિકવર થવા માટે બેથી ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે.
મથીશા પથિરાનાની ઈંજરીને લઈને તે સીએસકેમાં જોડાશે કે નહીં એ બાબતે સસ્પેન્સ નિર્માણ થયો છે. સીએસકેના ડિવોન કોનવે પણ અંગૂઠાની ઇજાને લઈને ટુર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે અને હવે પાંચ વખત આઇપીએલની ટ્રોફી જીતનાર સીએસકેને મથીશા પથિરાનાની ઇજાને લીધે મોટો ફટકો લાગ્યો છે.