ચેન્નઈ: પૅટ કમિન્સના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સને એલિમિનેટરમાં 36 રનથી આસાનીથી હરાવીને ત્રીજી વાર (ડેક્કન ચાર્જર્સને પણ ગણીએ તો ચોથી વાર) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેન્નઈમાં જ હૈદરાબાદનો કોલકાતા સામે ફાઇનલ-જંગ ખેલાશે. પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન અને નંબર-ટૂ ટીમ ક્વૉલિફાયર-વન બાદ ફરી ફાઇનલમાં સામસામે આવી ગઈ છે. ક્વૉલિફાયર-વનમાં કોલકાતાએ હૈદરાબાદે આઠ વિકેટે હરાવ્યું હતું.
શુક્રવારે રાજસ્થાનની ટીમ 176 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 139 રન બનાવી શકી હતી અને પરાજિત થતાં ત્રીજી વખત ફાઇનલના પ્રવેશથી વંચિત રહી ગઈ હતી. હૈદરાબાદની ટીમે પોતાની શાખ મુજબ બૅટિંગ નહોતી કરી, પરંતુ બોલિંગમાં કરામત બતાડીને ફરી કોલકાતા સામે પોતાને લાવી જ દીધું. પાર્ટ-ટાઇમ બોલર્સ શાહબાઝ અહમદ (4-0-23-3) તથા અભિષેક શર્મા (4-0-24-2)એ સ્પિનના જાદુથી રાજસ્થાનને કન્ટ્રોલમાં રાખ્યું હતું. કૅપ્ટન કમિન્સનો આ માસ્ટર-સ્ટ્રૉક હતો.
શાહબાઝે યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (10 બૉલમાં છ રન) તથા અશ્ર્વિન (0)ને આઉટ કર્યા હતા તો અભિષેકે બે કૅચ પકડવા ઉપરાંત કૅપ્ટન સંજુ સૅમસન (10 રન) અને હેટમાયર (ચાર રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. કમિન્સ અને ટી.નટરાજનને એક-એક વિકેટ મળી હતી. ભુવનેશ્ર્વર તથા જયદેવને વિકેટ નહોતી મળી.
ટૂંકમાં, હૈદરાબાદની 20માંથી 8 ઓવર અભિષેક તથા શાહબાઝ સહિતના બે પાર્ટ-ટાઇમ બોલર્સે કરી હતી. તેમણે 48 બૉલમાં માત્ર 47 રન આપ્યા હતા અને પાંચ વિકેટ લીધી હતી. અભિષેકને છ મૅચ પછી પહેલી વાર બોલિંગ મળી હતી અને તેણે બે વિકેટ સાથે ટ્રમ્પ-કાર્ડ બનીને કૅપ્ટન કમિન્સનો વિશ્ર્વાસ સાર્થક ઠરાવ્યો હતો.
એક સમયની નંબર-વન ટીમ રાજસ્થાનમાં માત્ર યશસ્વી જયસ્વાલ (42 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ધ્રુવ જુરેલ (56 અણનમ, 35 બૉલ, બે સિક્સર, સાત ફોર)ના સાધારણ યોગદાન હતા. બીજો કોઈ બૅટર 10 રન પણ પાર નહોતો કરી શક્યો. વધુ એક બૅટરની મોટી ઇનિંગ્સ કે એક મોટી ભાગીદારી થઈ હોત તો ફાઇનલમાં હૈદરાબાદને બદલે રાજસ્થાને એન્ટ્રી કરી હોત.
હૈદરાબાદના પેસ બોલર ટી. નટરાજને મૅચનો છેલ્લો બૉલ ફેંક્યો જેમાં એક રન બન્યો અને ત્યાર બાદ હૈદરાબાદની ટીમે તથા એના તરફી પ્રેક્ષકોએ વિજય સેલિબ્રેટ કર્યો હતો, જ્યારે રાજસ્થાનની ટીમ ગમગીન ચહેરે પાછી આવી હતી અને એના તરફી પ્રેક્ષકોમાં ઘણા લોકો આઘાતમાં રડી રહ્યા હતા.
એ પહેલાં, હૈદરાબાદે અસહ્ય ગરમી વચ્ચે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે 175 રન બનાવીને રાજસ્થાનને 176 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ રાજસ્થાન એ પણ નહોતું મેળવી શક્યું.
કાવ્યા મારનની માલિકીની બિગ-હિટર્સવાળી હૈદરાબાદની ટીમમાં એકમાત્ર હિન્રિચ ક્લાસેન (50 રન, 34 બૉલ, ચાર સિક્સર)ની હાફ સેન્ચુરી હતી.
હૈદરાબાદની પહેલી ત્રણેય વિકેટ રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે (4-0-45-3) લીધી હતી. આવેશ ખાને (4-0-27-3) પણ ત્રણ વિકેટ અને સંદીપ શર્મા (4-0-25-2)એ બે વિકેટ લીધી હતી. અશ્ર્વિનને 43 રનમાં અને ચહલને 34 રનમાં વિકેટ નહોતી મળી.
રાહુલ ત્રિપાઠી (37 રન, 15 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ નેવું ટકા રન બાઉન્ડરીઝમાં બનાવ્યા હતા, પણ પાંચમી ઓવરમાં વિકેટ ગુમાવી બેઠો હતો. ટ્રેન્ટ બૉલ્ટના ત્રીજા બૉલમાં તે શૉર્ટ થર્ડ મૅન પર ચહલને કૅચ આપી બેઠો હતો અને પોતાની જ ભૂલને કારણે પસ્તાયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ (34 રન, 28 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નું સાધારણ યોગદાન હતું, પરંતુ તેનો ઓપનિંગનો જોડીદાર અભિષેક શર્મા માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. નીતિશ રેડ્ડી (પાંચ રન) પણ ફ્લૉપ ગયો હતો.
આવેશ ખાનની 20મી ઓવરમાં બે વિકેટ પડી હતી જેમાં અંતિમ બૉલમાં જયદેવ ઉનડકટ (પાંચ રન) રનઆઉટ થયો હતો.
Taboola Feed