
અમદાવાદ: રાજસ્થાન રૉયલ્સે (19 ઓવરમાં 174/6) અહીં આઇપીએલના પ્લે-ઑફના દિલધડક મુકાબલા (એલિમિનેટર)માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને છ બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં એન્ટ્રી કરી હતી જેમાં શુક્રવારે ચેન્નઈમાં રાજસ્થાનનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે અને એમાં જીતનારી ટીમ રવિવારે ચેન્નઈમાં કોલકાતા સામે ફાઇનલમાં રમશે. લાગલગાટ છ મૅચ જીતીને પ્લે-ઑફમાં પહોંચનાર બેન્ગલૂરુની વિજયીકૂચ રાજસ્થાને રોકી હતી.
બેન્ગલૂરુને 172/8નો સાધારણ સ્કોર નડ્યો હતો. સંજુ સૅમસનના સુકાનમાં રાજસ્થાને 173 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં છ વિકેટના ભોગે મેળવી લીધો હતો. સતત ચાર મૅચ હારીને પ્લે-ઑફમાં રમેલી રાજસ્થાનની ટીમે ફરી જીતવાની શરૂઆત કરી છે જેને લીધે એ હવે બીજી ટ્રોફી જીતશે તો નવાઈ નહીં લાગે.
19મી ઓવરની શરૂઆતમાં રાજસ્થાનને 13 રનની જરૂર હતી અને લૉકી ફર્ગ્યુસનની એ ઓવરમાં રૉવમૅન પોવેલ (16 અણનમ, આઠ બૉલ, એક સિક્સર, બે ફોર)ના બે ચોક્કા અને એક છગ્ગા સહિતના ત્રણ બિગ શૉટમાં 14 રન બન્યા હતા અને રાજસ્થાને ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશ મેળવી લીધો હતો. પોવેલ સાથે અશ્ર્વિન (0) અણનમ રહ્યો હતો.
આ સીઝનમાં વિરાટ કોહલીના 741 રન હાઇએસ્ટ છે અને કદાચ એ જ સર્વોપરિ રહેશે, પણ બેન્ગલૂરુની ટીમની સ્પર્ધામાંથી વિદાય થઈ છે.
ઓપનર યશસ્વી જયસ્વાલ (45 રન, 30 બૉલ, આઠ ફોર) ત્રણ મૅચમાં ફ્લૉપ રહ્યા બાદ આ “ડુ ઑર ડાય” મૅચમાં સારું રમ્યો હતો. ઓપનિંગમાં ટૉમ કૉહલર-કૅડમાર (20 રન, 15 બૉલ, ચાર ફોર) સાથે તેણે 46 રનની ભાગીદારી કરી હતી. 173 રનના સાધારણ લક્ષ્યાંક માટે આ ઓપનિંગ પાર્ટનરશિપ સારી કહી શકાય એવી હતી.
14મી ઓવરમાં 112 રનના કુલ સ્કોર વખતે ધ્રુવ જુરેલ (8 બૉલમાં 8 રન) કોહલી અને ગ્રીનના હાથે રનઆઉટ થયો ત્યારે પણ બેન્ગલૂરુને જીતવાનો મોકો હતો, પરંતુ રિયાન પરાગ (36 રન, 26 બૉલ, બે સિક્સર, બે ફોર) અને ચહલના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવવામાં આવેલા હેટમાયર (26 રન, 14 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 45 રનની ભાગીદારી છેવટે નિર્ણાયક બની હતી. ખાસ કરીને કૅમેરન ગ્રીનની 16મી ઓવરમાં બનેલા 17 રન રાજસ્થાન માટે સૌથી ફાયદારૂપ નીવડ્યા હતા. બેન્ગલૂરુના સિરાજે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, બેન્ગલૂરુએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવ્યા હતા. બન્ને ટીમ માટે ડુ ઑર ડાય જેવી આ મૅચમાં બેન્ગલૂરુની ટીમમાં એક પણ બૅટરની હાફ સેન્ચુરી નહોતી, પરંતુ 30-પ્લસના ત્રણ વ્યક્તિગત સ્કોરને કારણે લાગલગાટ છ જીત મેળવીને પ્લે-ઑફમાં પહોંચેલી બેન્ગલૂરુની ટીમ રાજસ્થાનને 173 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપી શકી હતી.
રજત પાટીદાર (34 રન, બાવીસ બૉલ, બે સિક્સર, બે ફોર), વિરાટ કોહલી (33 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને મહિપાલ લૉમરોર (32 રન, 17 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સાધારણ યોગદાનોને લીધે બેન્ગલૂરુની ટીમ રાજસ્થાનને પડકારી શકી હતી. કૅમેરન ગ્રીને 21 બૉલમાં 27 રન બનાવ્યા હતા.
કોહલીની સૌથી મહત્ત્વપૂર્ણ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન રૉયલ્સનો સર્વશ્રેષ્ઠ બોલર બન્યો હતો. તેના ખાતે કુલ 66 વિકેટ છે. તેણે મૂળ અમદાવાદના સિદ્ધાર્થ ત્રિવેદીનો 65 વિકેટનો 10 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. શેન વૉટ્સનના નામે 61 વિકેટ છે, જ્યારે ચોથા નંબરે શેન વૉર્ન (57 વિકેટ)નું નામ છે.
રાજસ્થાને બુધવારે ફીલ્ડિંગ લીધી ત્યાર પછી કોહલી અને કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (17 રન, 14 બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ શાંત અને સાવચેતીપૂર્વકની શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે 37 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ 97મા રન સુધીમાં કુલ ચાર વિકેટ પડી ચૂકી હતી.
આવેશ ખાને સૌથી વધુ ત્રણ અને અશ્ર્વિને બે વિકેટ લીધી હતી.
કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદને હજી શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં (સાંજે 7.30 વાગ્યાથી) રાજસ્થાન સામે જીતીને ફાઇનલમાં જવાનો મોકો છે.