
ચેન્નઈ: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અહીં ચેપૉકના સ્ટેડિયમમાં અસહ્ય ગરમી વચ્ચે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે 175 રન બનાવીને રાજસ્થાન રૉયલ્સને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બિગ-હિટર્સવાળી આ ટીમમાં એકમાત્ર હિન્રિચ ક્લાસેન (50 રન, 34 બૉલ, ચાર સિક્સર)ની હાફ સેન્ચુરી હતી.
હૈદરાબાદની પહેલી ત્રણેય વિકેટ રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે (4-0-45-3) લીધી હતી. આવેશ ખાને (4-0-27-3) પણ ત્રણ વિકેટ અને સંદીપ શર્મા (4-0-25-2)એ બે વિકેટ લીધી હતી. અશ્ર્વિનને 43 રનમાં અને ચહલને 34 રનમાં વિકેટ નહોતી મળી.
રાહુલ ત્રિપાઠી (37 રન, 15 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ નેવું ટકા રન બાઉન્ડરીઝમાં બનાવ્યા હતા, પણ પાંચમી ઓવરમાં વિકેટ ગુમાવી બેઠો હતો. ટ્રેન્ટ બૉલ્ટના ત્રીજા બૉલમાં તે શૉર્ટ થર્ડ મૅન પર ચહલને કૅચ આપી બેઠો હતો અને પોતાની જ ભૂલને કારણે પસ્તાયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ (34 રન, 28 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નું સાધારણ યોગદાન હતું, પરંતુ તેના ઓપનિંગના જોડીદાર અભિષેક શર્માએ માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. નીતિશ રેડ્ડી (પાંચ રન) પણ ફ્લૉપ ગયો હતો.
આવેશ ખાનની 20મી ઓવરમાં બે વિકેટ પડી હતી જેમાં અંતિમ બૉલમાં જયદેવ ઉનડકટ (પાંચ રન) રનઆઉટ થયો હતો.
રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસને ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. તેની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરાયો, જ્યારે હૈદરાબાદે મિડલ-ઑર્ડરના બૅટર એઇડન માર્કરમને ફરી ઇલેવનમાં સમાવ્યો હતો, પણ તે ફક્ત બે બૉલ રમ્યો અને એક રનના સ્કોર પર બૉલ્ટના બૉલમાં શૉર્ટ થર્ડ મૅનના સ્થાને ચહલને કૅચ આપી બેઠો હતો.