
અમદાવાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)એ આઇપીએલની 17મી સીઝનની પ્લે-ઑફની બીજી મૅચ (ELIMINATOR)માં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવ્યા હતા. બન્ને ટીમ માટે ડુ ઑર ડાય જેવી આ મૅચમાં બેન્ગલૂરુની ટીમમાં એક પણ બૅટરની હાફ સેન્ચુરી નહોતી, પરંતુ 30-પ્લસના ત્રણ વ્યક્તિગત સ્કોરને કારણે લાગલગાટ છ જીત મેળવીને પ્લે-ઑફમાં પહોંચેલી બેન્ગલૂરુની ટીમ રાજસ્થાનને 173 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપી શકી હતી.
રજત પાટીદાર (34 રન, બાવીસ બૉલ, બે સિક્સર, બે ફોર), વિરાટ કોહલી (33 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને મહિપાલ લૉમરોર (32 રન, 17 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સાધારણ યોગદાનોને લીધે બેન્ગલૂરુની ટીમ રાજસ્થાનને પડકારી શકી હતી. કૅમેરન ગ્રીને 21 બૉલમાં 27 રન બનાવ્યા હતા.
કોહલીની સૌથી મહત્ત્વપૂર્ણ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન રૉયલ્સનો સર્વશ્રેષ્ઠ બોલર બન્યો હતો. તેના ખાતે કુલ 66 વિકેટ છે. તેણે મૂળ અમદાવાદના સિદ્ધાર્થ ત્રિવેદીનો 65 વિકેટનો 10 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. શેન વૉટ્સનના નામે 61 વિકેટ છે, જ્યારે ચોથા નંબરે શેન વૉર્ન (57 વિકેટ)નું નામ છે.
રાજસ્થાને બુધવારે ફીલ્ડિંગ લીધી ત્યાર પછી કોહલી અને કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (17 રન, 14 બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ શાંત અને સાવચેતીપૂર્વકની શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે 37 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ 97મા રન સુધીમાં કુલ ચાર વિકેટ પડી ચૂકી હતી.
ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ શકી.
આવેશ ખાનને ત્રણ તથા અશ્વિનને બે વિકેટ તેમ જ બોલ્ટ, સંદીપ, ચહલને એક-એક વિકેટ મળી હતી.
કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદને હજી શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં જીતીને ફાઇનલમાં જવાનો મોકો છે.