આઇપીએલના ઑક્શનની મહિલા સંચાલક વિશે આ જાણો છો?

અબુ ધાબીઃ અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મિની ઑક્શનનું સંચાલન કરનાર મલ્લિકા સાગર વિશે મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓ અજાણ હશે, પરંતુ ભારતીય ક્રિકેટમાં અને ભારતીય ખેલકૂદ ક્ષેત્રે આ યુવતીનું નામ અજાણ્યું તો નથી જ. તેણે 2021માં પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની હરાજીનું સંચાલન કર્યું હતું.
2023માં તે મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની પ્રથમ સીઝન માટેની હરાજીની હોસ્ટ હતી તેમ જ ત્યાર બાદ તેણે 2023ના આઇપીએલ મિની ઑક્શનનું તેમ જ 2024ના હાઇ-પ્રોફાઇલ ઑક્શનનું પણ સંચાલન કર્યું હતું. મંગળવારની અબુ ધાબીની ઇવેન્ટ પહેલાંનું તેનું અસાઇનમેન્ટ તાજેતરમાં જ હતું જેમાં તે આગામી વર્ષની ડબ્લ્યૂપીએલની પણ ઍન્કર હતી.
મલ્લિકા સાગર 50 વર્ષની છે. તેનો જન્મ 1975માં મુંબઈમાં થયો હતો. વેપારી પરિવારમાં જન્મેલી મલ્લિકા સાગર (Mallika Sagar) મુંબઈમાં ભણી હતી. તે ફાઇન આર્ટ અને સ્પોર્ટ્સ ઑક્શન વચ્ચેની એક એવી કડી છે જેવી ટૅલન્ટ બહુ ઓછા લોકોમાં હોય છે.
મુંબઈમાં ભણ્યા બાદ તે વધુ ભણતર માટે અમેરિકાના કનેક્ટિકટમાં ગઈ હતી અને ત્યાર બાદ તેણે ફિલાડેલ્ફિયામાં આર્ટ હિસ્ટરીમાં ડિગ્રી હાંસલ કરી હતી. 2001માં તેણે હરાજીને લગતી તાલીમ શરૂ કરી હતી અને એમાં પ્રોફેશનલ કરીઅર શરૂ કર્યા પછી તે 26 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્કમાં ક્રિસ્ટિની સૌપ્રથમ ભારતીય મહિલા ઑક્શનીયર બની હતી.
મલ્લિકા સાગરે પછીથી આધુનિક અને સમકાલીન ભારતીય કલા ક્ષેત્રે વિશિષ્ટ ટૅલન્ટ બતાવવા ઉપરાંત હરાજીના જાગતિક ક્ષેત્રે પણ નામના મેળવી હતી. મલ્લિકાએ થોડા વર્ષો પહેલાં મુંબઈમાં પુનરાગમન કર્યું હતું અને કલા ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું હતું.
2021માં મલ્લિકાએ ભારતમાં હરાજીના ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું જેમાં તે 2021ની પ્રો કબડ્ડી લીગમાં પ્રથમ મહિલા ઑક્શનીયર (Auctioneer) બની હતી.
આ પણ વાંચો…આઇપીએલના ઑક્શનમાં આજે કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ નથી ખરીદ્યા…
