અનકૅપ્ડ પ્લેયર મંગેશ યાદવ કોણ છે? કેમ આરસીબીએ તેને ₹5.20 કરોડમાં ખરીદ્યો?

અબુ ધાબી: ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ મંગળવારે અહીં આઈપીએલના મિની ઑક્શનમાં મધ્ય પ્રદેશના 23 વર્ષીય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હૅન્ડ બૅટ્સમૅન તથા ઑલરાઉન્ડર તરીકે જાણીતા મંગેશ યાદવને માત્ર ₹30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ₹5.20 કરોડના ઊંચા ભાવે ખરીદીને આશ્ચર્ય ફેલાવ્યું છે. જોકે રજત પાટીદારની કેપ્ટન્સીવાળી આ ટીમનું ફ્રેન્ચાઈઝી મંગેશને યશ દયાલના અનુગામી તરીકે કેમેય કરીને મેળવવા માગતું હતું એટલે એણે હરાજીમાં હૈદરાબાદ સાથેની તીવ્ર હરીફાઈમાં છેવટે તેને મેળવી જ લીધો હતો.
જસપ્રીત બુમરાહ જેવા શાર્પ યોર્કર માટે જાણીતો મંગેશ (Mangesh) મધ્ય પ્રદેશની એમપી (MP) ટી-20 લીગનો જાણીતો ખેલાડી છે. તાજેતરની એમપી લીગમાં તેણે ગ્વાલિયર ચિતાઝ ટીમ વતી ફક્ત 21 ઓવરમાં 14 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી અને આઈપીએલ માટે પ્લેયર્સ શોધતા સિલેક્ટર્સને પ્રભાવિત કર્યાં હતા.
હજી ભારત વતી રમવાની શરૂઆત ન કરનાર અનકૅપ્ડ પ્લેયર મંગેશ યાદવે એમપી લીગની છ ઇનિંગ્સમાંથી ત્રણ ઇનિંગ્સમાં ચાર કે વધુ વિકેટ લીધી હતી.
મંગળવારે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે 12 બૉલમાં એક સિક્સર, ચાર ફોરની મદદથી 28 રન કરવા ઉપરાંત બે વિકેટ પણ લીધી હતી. તેણે પંજાબના પ્રભસિમરનજીત સિંહ અને અનમોલપ્રીત સિંહની બહુમૂલ્ય વિકેટ લેવા ઉપરાંત નમન ધીરને રનઆઉટ પણ કર્યો હતો. પંજાબે ઍમ્બી ખાતેની એ મૅચ જીતી લીધી હતી.
આપણ વાંચો: IPL મિનિ ઓક્શન: 5 ખેલાડી ખરીદાયા 84 કરોડમાં, બાકીના 72 પાછળ માત્ર 115 કરોડ



