તેજસ્વીની કરીઅરમાં નવું તેજઃ શિક્ષક માતા-પિતાના આ દીકરાએ ભોપાલના જંગલમાં ક્રિકેટની તાલીમ લીધી હતી…

અબુ ધાબીઃ 23 વર્ષની ઉંમરના વિકેટકીપર-બૅટ્સમૅન તેજસ્વી સિંહ દહિયાને ગયા વર્ષે 2025ની આઇપીએલ માટેના મેગા ઑક્શનમાં બે વખત નામ બોલવામાં આવવા છતાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો ત્યારે તે ખૂબ નિરાશ થઈ ગયો હતો, પણ આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે (10 ગણા ભાવે) 3.00 કરોડ રૂપિયામાં મેળવ્યો એ સાથે તેનું ભાગ્યચક્ર ફરી ગયું છે. ગણિત અને અર્શશાસ્ત્રના ટીચર્સ (TEACHERS)ના પુત્ર તેજસ્વીએ એક સમયે જંગલમાં તાલીમ લીધી હતી અને સિક્સર માત્ર મોજ ખાતર ફટકારતો હતો. જોકે હવે તેની કરીઅર ખરા અર્થમાં પાટા પર આવી ગઈ ગણાય છે.
તેજસ્વી દહિયા (TEJASVI DAHIYA) એવા અનકૅપ્ડ પ્લેયર્સમાંથી છે જેને મંગળવારના મિની ઑક્શનમાં ભારે રસાકસી વચ્ચે બેઝ પ્રાઇસ કરતાં દસ ગણી કિંમતે ખરીદવામાં આવ્યો હતો. તે ભારત વતી હજી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોવાથી અનકૅપ્ડ પ્લેયર તરીકે જ આઇપીએલમાં રમશે.
કેકેઆર ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને રાજસ્થાન રૉયલ્સ (આરઆર)એ પણ દિલ્હીના તેજસ્વી દહિયાને પોતાની સ્ક્વૉડમાં સમાવવા રેસમાં ઝુકાવ્યું હતું, પણ છેવટે કેકેઆરની ટીમ ફાવી ગઈ હતી. સ્વાભાવિક છે કે આ ઑક્શનમાં સૌથી વધુ 64.30 કરોડ રૂપિયા ભંડોળ કેકેઆર પાસે હતું એટલે એને ખેલાડીઓ ખરીદવામાં આર્થિક રીતે સહજતા પડી હતી.

કડક સ્વભાવના કોચ પાસે લીધી તાલીમ
તેજસ્વીના પપ્પા રવીન્દ્રસિંહ દહિયા દિલ્હીની સરકારી સ્કૂલમાં મૅથમેટિક્સના શિક્ષક છે અને તેની મમ્મી બબીતા દહિયા ઇકોનોમિક્સના ટીચર છે. પુત્ર તેજસ્વીને કેકેઆરે દસગણા ભાવે (3.00 કરોડ રૂપિયામાં) ખરીદ્યો એ તેના માતા-પિતાના માનવામાં નથી આવતું. તેઓ અને પરિવારના બધા મેમ્બર બેહદ ખુશ છે. ભૂતકાળમાહં ગૌતમ ગંભીર, અમિત મિશ્રા, જોગિન્દર શર્મા, ઉન્મુક્ત ચંદ, નીતીશ રાણા અને પ્રિયાંશ આર્યને ક્રિકેટની તાલીમ આપી ચૂકેલા કડક સ્વભાવના પીઢ કોચ સંજય ભારદ્વાજે થોડા સમય પહેલાં તેજસ્વીની ટૅલન્ટ પારખીને તેને ભોપાલમાં પોતાના ગુરુકૂલમાં બોલાવ્યો હતો. આ ગુરુકૂલ ભોપાલના જંગલની મધ્યમાં આવેલું છે જ્યાં તેઓ ક્રિકેટની તાલીમ આપે છે જે દરમ્યાન તેજસ્વીએ માત્ર મોજ ખાતર છગ્ગા પર છગ્ગા ફટકાર્યા હતા.
અમદાવાદની મૅચમાં છગ્ગા-ચોક્કાનો વરસાદ
દિલ્હીના તેજસ્વીએ ચોથી ડિસેમ્બરે અમદાવાદમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની કર્ણાટક સામેની ટી-20 મૅચમાં જોરદાર ફટકાબાજી કરી હતી જે બાદ દિલ્હીનો વિજય થયો હતો. તેજસ્વીએ 19 બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોરની મદદથી અણનમ 53 રન કર્યા હતા. એ મૅચમાં પ્રિયાંશ આર્ય (62 રન), આયુષ બદોની (53 રન), નીતીશ રાણા (અણનમ 46)ના પણ મોટા યોગદાનો હતા. દિલ્હી (3/232)એ કર્ણાટક (10/187) સામે 45 રનથી વિજય મેળવ્યો હતો.

વીરુ અને ધોનીનો ચાહક
તેજસ્વી ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ સિવાય બાકીના બધી ફ્રૅન્ચાઇઝીઓની ટીમ માટે ટ્રાયલ આપી ચૂક્યો હતો, પણ એમાં તેને આ વખતે કેકેઆરમાં આવવાનો અવસર મળ્યો. તે વીરેન્દર સેહવાગની આક્રમક બૅટિંગ-સ્ટાઇલનો ચાહક છે અને તેની જેમ આઇપીએલમાં બૅટિંગ કરવા માગે છે. તેજસ્વી વિકેટકીપિંગ-લેજન્ડ એમએસ ધોનીની માફક વિકેટકીપિંગમાં અવ્વલ સ્થાન મેળવવા ઉત્સુક છે.
આ પણ વાંચો…IPL મિનિ ઓક્શનમાં આ 6 અનકેપ્ડ ખેલાડી છવાઈ ગયા, રાતોરાત બની ગયા કરોડપતિ



