સ્પોર્ટસ

આઇપીએલની દસમાંથી આઠ ટીમના કૅપ્ટન નક્કી, બે ટીમે હજી ફેંસલો નથી લીધો

16મી ડિસેમ્બરના મિની-ઑક્શન પહેલાં જાણી લો કૅપ્ટનોના રેકૉર્ડ અને એક સીઝનની ફી

મુંબઈઃ 2026ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ 10 ટીમોના રીટેન્શન લિસ્ટ બહાર પડી ગયા અને દરેક ટીમે મોટા ભાગના ખેલાડીઓ સાથે ફોજ તૈયાર કરી લીધી ત્યાર બાદ હવે 16મી ડિસેમ્બરના મિની-ઑક્શનની રાહ જોવાઈ રહી છે, પરંતુ એ પહેલાં ઘણા ક્રિકેટપ્રેમીઓને આ ટીમોના કૅપ્ટન, તેમના રેકૉર્ડસ અને તેમને એક સીઝન રમવાની મળતી ફી (Season Fee) વિશે જાણવાની આતુરતા હશે. તો ચાલો, એના પર એક નજર કરી લઈએ…

આ પણ વાંચો: ધમાકેદાર પર્ફોર્મન્સ માટે જાણીતો આન્દ્રે રસેલ શું આઇપીએલની આ ટીમમાં જોડાઈ રહ્યો છે?

રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુનો કૅપ્ટન કોણ

આરસીબી તરીકે જાણીતી આ ટીમને 2025માં રજત પાટીદારની કૅપ્ટન્સીમાં પહેલું ટાઇટલ જીતવા મળ્યું. 2026માં પણ તે જ સુકાન સંભાળશે. તેણે 42 આઇપીએલ-મૅચમાં 1,111 રન કર્યા છે જેમાં એક સેન્ચુરી અને નવ હાફ સેન્ચુરી સામેલ છે. આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ તેને 11 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન કોણ

પાંચ ટાઇટલ જીતી ચૂકેલી અને સીએસકે તરીકે ઓળખાતી આ ટીમમાં લેજન્ડ એમએસ ધોનીની હજી પણ હાજરી છે. સંજુ સૅમસનની આ ટીમમાં એન્ટ્રી થતાં વાતો ઉડી છે કે તેને કૅપ્ટન બનાવાશે. જોકે કેટલાક અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડ જ સુકાન સંભાળશે. તેણે 71 મૅચમાં 2,502 રન કર્યા છે જેમાં બે સેન્ચુરી અને 20 હાફ સેન્ચુરી સામેલ છે. આ ફ્રૅન્ચાઇઝીએ તેને 18 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન કોણ

એમઆઇ તરીકે જાણીતી આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવ્યો છે અને આ વખતે પણ હાર્દિક જ સુકાન સંભાળશે. હાર્દિકે આઇપીએલમાં કુલ 152 મૅચમાં 10 હાફ સેન્ચુરી સહિત કુલ 2,749 રન કર્યા છે અને 78 વિકેટ લીધી છે. એમઆઇએ ગઈ સીઝનમાં તેને 16.35 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન કોણ

આ વખતે રસેલ, વેન્કટેશ ઐયર સહિત ઘણા મોટાં માથાંને ઑક્શન માટે છૂટા કરી દેનાર કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ ગઈ સીઝનમાં અજિંક્ય રહાણેને સુકાન સોંપ્યું હતું અને તેને રીટેન કર્યો છે. જોકે આ વખતે કોણ કૅપ્ટન્સી સંભાળશે એની જાહેરાત નથી કરાઈ. વિકિપીડિયા મુજબ 2025માં રહાણેને આ ફ્રૅન્ચાઇઝીએ 1.50 કરોડ રૂપિયાની ફી આપી હતી. રહાણેએ 198 મૅચમાં 5,032 રન કર્યા છે જેમાં બે સેન્ચુરી અને 33 હાફ સેન્ચુરી સામેલ છે.

પંજાબ કિંગ્સનો કૅપ્ટન કોણ

શ્રેયસ ઐયર પીબીકેએસ તરીકે ઓળખાતી આ ટીમનો સુકાની છે. 2025માં આ ટીમ ઐયરના સુકાનમાં રનર-અપ થઈ હતી. એ સીઝનમાં પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ ઐયરને ઑક્શનમાં 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 133 મૅચમાં 27 હાફ સેન્ચુરીની મદદથી 3,731 રન કર્યા છે.

ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન કોણ

ભારતની ટેસ્ટ તથા વન-ડે ટીમના સુકાની શુભમન ગિલને જીટી તરીકે ઓળખાતી આ ટીમની કૅપ્ટન્સી પણ સોંપાઈ છે અને 2026માં પણ તે જ સુકાન સંભાળશે. 2025ની સીઝનમાં જીટીના ફ્રૅન્ચાઇઝીએ તેને 16.50 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. તેણે 118 મૅચમાં ચાર સેન્ચુરી અને 26 હાફ સેન્ચુરીની મદદથી કુલ 3,866 રન કર્યા છે.

લખનઊ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન કોણ

રિષભ પંત એલએસજી તરીકે જાણીતી આ ટીમનો સુકાની છે. 2025ની સીઝન પહેલાં આ ફ્રૅન્ચાઇઝીએ તેને હરાજીમાં વિક્રમજનક 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઇપીએલની સમગ્ર કરીઅરમાં તેણે 125 મૅચમાં બે સેન્ચુરી તથા 19 હાફ સેન્ચુરીની મદદથી કુલ 3,553 રન કર્યા છે તેમ જ સ્ટમ્પ્સની પાછળથી કુલ 101 શિકાર કર્યા છે. 2024માં આ ટીમ કમિન્સના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચી હતી.

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન કોણ

2025ની માફક 2026ની સીઝનમાં પણ ડીસી તરીકે જાણીતી આ ટીમનો સુકાની અક્ષર પટેલ છે. તે આ ટીમના અનુભવી ખેલાડીઓમાંથી એક છે. ગઈ સીઝનમાં આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ તેને 16.50 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો અને રિષભ પંતને રિલીઝ કરી દીધો હતો. અક્ષરે આઇપીએલમાં 162 મૅચમાં 1,916 રન કર્યા છે અને 128 વિકેટ લીધી છે.

રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન કોણ

આરઆર ટીમના ફ્રૅન્ચાઇઝીએ પોતાનો કૅપ્ટન સંજુ સૅમસન ટ્રેડ મારફત ચેન્નઈને આપી દીધો છે અને તેના બદલામાં રવીન્દ્ર જાડેજા તથા સૅમ કરૅન મેળવ્યા છે. બની શકે કે જાડેજાને આરઆરનું સુકાન સોંપવામાં આવશે. ચેન્નઈની ટીમમાં તેને એક સીઝનના 18 કરોડ રૂપિયા મળતા હતા, પણ રાજસ્થાને તેને 14 કરોડ રૂપિયામાં સાઇન કર્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદનો કૅપ્ટન કોણ

2026ની સીઝનમાં પણ પૅટ કમિન્સ જ એસઆરએચનું સુકાન સંભાળશે. આગામી સીઝન માટે જે ટીમોના કૅપ્ટન ક્નફર્મ થયા છે એ બધામાં કમિન્સ એકમાત્ર વિદેશી કૅપ્ટન છે. જોકે ગઈ સીઝનમાં આ ટીમનો પર્ફોર્મન્સ ખરાબ હતો. કમિન્સે આઇપીએલની 72 મૅચમાં 79 વિકેટ લીધી છે. ગઈ સીઝનમાં કાવ્યા મારનના ફ્રૅન્ચાઇઝીએ તેને 18 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button