પાકિસ્તાની ક્રિકેટરોની જેમ હવે બાંગ્લાદેશીઓ માટે પણ વર્ષો સુધી આઇપીએલના દરવાજા બંધ થઈ શકે…

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની સૂચના મુજબ આઇપીએલની 2026ની સીઝન માટેની પોતાની ટીમમાંથી કાઢી મૂકવો પડ્યો એને પગલે હવે આ ભારતીય ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓની જેમ બાંગ્લાદેશી પ્લેયર્સ માટે પણ વર્ષો સુધી એન્ટ્રી બંધ રહેશે એવી ધારણા છે.
બાંગ્લાદેશ (BANGLADESH)માં હિન્દુ-વિરોધી કૃત્યો વધી રહ્યા હોવાથી મુસ્તફિઝુરને આઇપીએલમાં રમાડવા સામે ભારતભરમાં વિરોધ શરૂ થયો હતો જેને પગલે કેકેઆરે આ 31 વર્ષીય પીઢ પેસ બોલરને સ્ક્વૉડમાંથી બાકાત કરી નાખવો પડ્યો છે. તેને શાહરુખ ખાનની સહ-માલિકીવાળા ફ્રૅન્ચાઇઝીએ ગયા મહિને અબુ ધાબીની હરાજીમાં 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ભારે રસાકસી વચ્ચે 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો…બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી…’ મુસ્તફિઝુર રહમાનના આઇપીએલમાં રમવા પર મોટું નિવેદનઃ અહેવાલ…
2008ની આઇપીએલમાં કયા પાકિસ્તાનીઓ રમ્યા હતા?
2008ની પ્રથમ આઇપીએલમાં સોહેલ તનવીર, કામરાન અકમલ, યુનીસ ખાન (રાજસ્થાન), શોએબ મલિક, મોહમ્મદ આસિફ (દિલ્હી), શાહિદ આફ્રિદી (ડેક્કન), ઉમર ગુલ, મોહમ્મદ હાફીઝ, શોએબ અખ્તર, સલમાન બટ (કોલકાતા) સહિતના પાકિસ્તાની ખેલાડીઓને રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ 2008ની 26મી નવેમ્બરે પાકિસ્તાને મુંબઈ પર જીવલેણ આતંકવાદી હુમલો કરાવ્યો ત્યાર બાદ 2009ની સાલથી આઇપીએલ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓ માટે નો-એન્ટ્રી છે. એ તો ઠીક, પણ ભારત 17 વર્ષથી પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ક્રિકેટ શ્રેણી પણ નથી રમ્યું.
વિદેશની ભારતીય માલિકીની ટીમો પણ સતર્ક
હવે બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ થઈ રહી છે તેમ જ હિન્દુ નાગરિકો પર અત્યાચાર થઈ રહ્યા છે એ સંજોગોમાં ભારત આ પાડોશી દેશ સાથે પણ દ્વિપક્ષી સિરીઝ રમવાનું ટાળી રહ્યું છે ત્યારે આવનારા થોડા વર્ષો સુધી તો આઇપીએલમાં બાંગ્લાદેશી ખેલાડીઓને પણ પ્રવેશ નહીં મળે એવી પાકી સંભાવના છે. એટલું જ નહીં, વિશ્વમાં ચાલી રહેલી ઘણી લીગ ટૂર્નામેન્ટોની ટીમોમાં ભારતીય માલિકોનો ખાસ્સો એવો ઇક્વિટી હિસ્સો છે અને એ ટીમોમાં પાકિસ્તાની ખેલાડીઓને તો એન્ટ્રી નથી જ, હવે કેકેઆર-મુસ્તફિઝુરના કિસ્સા પરથી બોધ લઈને બાંગ્લાદેશી ખેલાડીઓને સમાવવાનું પણ ભારતીય માલિકો ટાળશે એમાં બેમત નથી.
આ પણ વાંચો…બાંગ્લાદેશી ખેલાડીઓના નામ આઇપીએલ ઑક્શનમાં સામેલ કરવાની છૂટ કોણે આપી? સવાલ સવા લાખનો…



