સ્પોર્ટસ

આઇપીએલના ઑક્શનમાં માત્ર 77 ખાલી જગ્યા માટે કેટલા ખેલાડીઓની અરજી આવી છે, જાણો છો?

મુંબઈઃ 2008માં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લોકપ્રિયતા (અન્ય ઘણા દેશોએ પોતાની ટી-20 લીગ ટૂર્નામેન્ટ શરૂ કરી હોવા છતાં) એટલી બધી વધી ગઈ છે કે વાત ન પૂછો.

દર વખતે આંગળીના વેઢે ગણાય એટલા ખેલાડીઓને રીટેન કરવામાં આવતા હોય છે અને નાના-મોટા ઑક્શન (Auction) માટે હજારોની સંખ્યામાં ખેલાડીઓ અરજી કરતા હોય છે અને એમાં આ વખતે તો હદ જ થઈ ગઈ.

આગામી 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં ખેલાડીઓ માટેની નાના પાયે હરાજી યોજાવાની છે અને એ માટે તોતિંગ સંખ્યામાં ખેલાડીઓની અરજી વિશ્વની આ સર્વશ્રેષ્ઠ લીગ ટૂર્નામેન્ટના આયોજકોને મળી છે.

આપણ વાચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન

વાત એવી છે કે આઇપીએલના મોવડીઓએ 10 ફ્રૅન્ચાઇઝી (Franchise)ઓ સાથે શૅર કરેલી ખેલાડીઓની યાદી મુજબ કુલ મળીને (પાકિસ્તાનને બાદ કરતા) વિશ્વભરમાંથી 1,355 ખેલાડીઓએ 2026ની સીઝનમાં રમવા માટે અરજી કરી છે.

30મી નવેમ્બરે રજિસ્ટ્રેશન માટેની ડેડલાઇન પૂરી થઈ ગઈ હતી. દરેક ફ્રૅન્ચાઇઝીના સ્ક્વૉડમાં વધુમાં વધુ પચીસ ખેલાડી હોવા જોઈશે. દરેક ટીમના સ્ક્વૉડમાં થોડી-ઘણી જગ્યા ખાલી પડી છે. તમામ 10 ટીમની વાત કરીએ તો કુલ મળીને 77 સ્થાન ભરવાના છે અને એ માટે 1,355 ખેલાડીઓએ અરજી કરી છે. એ 77માંથી 31 વિદેશી ખેલાડીઓની જગ્યા ભરવાની છે.

બધા 10 ફ્રૅન્ચાઇઝી આઇપીએલને પોતાનું શૉર્ટલિસ્ટ પહોંચાડશે ત્યાર બાદ આ 1,355 ખેલાડીઓના લિસ્ટમાં ધરખમ કાપ મૂકવામાં આવશે.

આપણ વાચો: યશ દયાલ પર પ્રતિબંધ: જાતીય શોષણના આરોપ બાદ ટી-20 લીગમાંથી બહાર

કયા જાણીતા ખેલાડીઓ હટી ગયા

આ વખતની આઇપીએલના ઑક્શન પહેલાં જ કેટલાક જાણીતા ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આન્દ્રે રસેલે આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને તે કોલકાતાની જ ટીમનો પાવર-કોચ બનવા તૈયાર થયો છે.

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ફાફ ડુ પ્લેસીએ પણ ઑક્શનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, કારણકે તેને પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમવું છે. ઇંગ્લૅન્ડનો સ્પિન-ઑલરાઉન્ડર મોઇન અલી પણ પીએસએલમાં રમવા આઇપીએલથી દૂર રહ્યો છે. નવી ખબર એ મળી છે કે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે પણ ઑક્શનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

ગ્રીન બની શકે કેકેઆરમાં રસેલનો અનુગામી

ઑસ્ટ્રેલિયાનો બૅટિંગ-ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન પીઠની ઈજાને કારણે 2025ની આઇપીએલ માટેના ઑક્શનથી દૂર રહ્યો હતો, પણ આ વખતે તેને કોલકાતાની ટીમમાં આન્દ્રે રસેલના સ્થાને આવવા મળશે એવી સંભાવના છે. રસેલે આઇપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. ઑક્શન માટેના લિસ્ટમાં રવિ બિશ્નોઈ, વેન્કટેશ ઐયર, પથિરાના વગેરેનો સમાવેશ છે.

બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કયા ખેલાડીઓની અરજી

રવિ બિશ્નોઈ, વેન્કટેશ ઐયર, કૅમેરન ગ્રીન, માઇકલ બે્રસવેલ, ડેવૉન કૉન્વે, ડેરિલ મિચલ, રચિન રવીન્દ્ર, ડેવિડ મિલર, શાઇ હોપ, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, શૉન અબૉટ, ઍશ્ટન ઍગર, કૂપર કૉનોલી, જેક ફ્રૅઝર-મૅકગર્ક, સ્ટીવ સ્મિથ, જૉશ ઇંગ્લિસ, મુસ્તફિઝૂર રહમાન, ગસ ઍટક્નિસન, ટૉમ બૅન્ટન, ટૉમ કરૅન, લિઆમ ડૉસન, બેન ડકેટ, ડૅન લૉરેન્સ, લિઆમ લિવિંગ્સ્ટન, ટાઇમલ મિલ્સ, જૅમી સ્મિથ, ફિન ઍલન, જૅકબ ડફી, મૅટ હેન્રી, કાઇલ જૅમીસન, ઍડમ મિલ્ન, વિલ ઑરુરકે, જેરાલ્ડ કૉએટ્ઝી, લુન્ગી ઍન્ગિડી, ઍન્રિક નોર્કિયા, રાઇલી રોસોઉ, તબે્રઝ શમ્સી, ડેવિડ વીસ, વનિન્દુ હસરંગા, મથિશા પથિરાના, માહીશ થીકશાના, જેસન હૉલ્ડર, અકીલ હોસૈન અને અલ્ઝારી જોસેફ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button