યશસ્વી ફૉર્મમાં આવી ગયો: રાજસ્થાનના ચાર વિકેટે 205

મુલ્લાંપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)નો ઓપનર યશસ્વી જયસ્વાલ (67 રન, 45 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) ત્રણ મૅચની નિષ્ફળતા બાદ આજે અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામેની મૅચથી ફૉર્મમાં આવી ગયો હતો જેને પગલે રાજસ્થાનની ટીમ 200-પ્લસનો સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી. પંજાબે બૅટિંગ આપ્યા બાદ સંજુ સૅમસન (Sanju Samson)ની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે 205 રન બનાવીને પંજાબને 206 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
બે દિવસ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમમાં જોડાઈ ગયેલા યશસ્વીએ એક રીતે રાજસ્થાનના સુકાની અને નાનપણના મિત્ર સૅમસનનું ગઈ કાલની કથન સાચું પાડ્યું હતું. કૅપ્ટન સૅમસને કહ્યું હતું કે યશસ્વી પ્રૅક્ટિસમાં ખૂબ મહેનત કરી રહ્યો છે, તે બહુ જલદી ફૉર્મમાં આવી જ જશે.
યશસ્વી અને સૅમસન (38 રન, 26 બૉલ, છ ફોર) વચ્ચે પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી થઈ હતી. છેક 11મી ઓવરમાં સૅમસનની વિકેટ પડ્યા પછી ભૂતપૂર્વ
આ પણ વાંચો: દિલ્હીનો ચેપૉકમાં 15 વર્ષે વિજયઃ પૉઇન્ટ્સમાં મોખરે
કાર્યવાહક સુકાની રિયાન પરાગ (43 અણનમ, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) બૅટિંગમાં આવ્યો હતો અને યશસ્વી સાથે તેની 34 રનની ભાગીદારી થઈ હતી.
નીતીશ રાણા ફક્ત 12 રન બનાવીને ફરી સસ્તામાં આઉટ થઈ ગયો હતો, પરંતુ શિમરૉન હેટમાયરે 20 રનનું અને વિકેટકીપર ધ્રુવ જુરેલે અણનમ 13 રનનું યોગદાન આપીને રાજસ્થાનની ટીમને ટોટલ 200ની ઉપર લઈ જવામાં મદદ કરી હતી.
પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે કુલ છ બોલર અજમાવ્યા હતા જેમાં ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસનને સૌથી વધુ બે વિકેટ તેમ જ અર્શદીપ સિંહ તથા માર્કો યેનસેનને એક-એક વિકેટ મળી હતી. મૅક્સવેલ, ચહલ અને સ્ટોઇનિસ એકેય વિકેટ નહોતા લઈ શક્યા.