IPL 2025

આઇપીએલમાં હવે કોને પ્લે-ઑફનો કેટલો ચાન્સ છે?

મુંબઈઃ આઇપીએલની 18મી સીઝન ભારત-પાકિસ્તાન યુદ્ધને કારણે અટકી ગયા બાદ આઠ દિવસના અંતર પછી હવે શનિવાર, 17મી મેએ ફરી શરૂ થઈ રહી છે. ફાઇનલ મંગળવાર, ત્રીજી જૂને રમાવાની છે.

10માંથી ત્રણ ટીમ (ચેન્નઈ, રાજસ્થાન, હૈદરાબાદ) સ્પર્ધાની બહાર થઈ ગઈ છે, પ્લે-ઑફ (PLAY-OFF)માં જવા માટે સાત ટીમ (ગુજરાત, બેંગ્લૂરુ, પંજાબ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, લખનઊ)ને મોકો છે.

પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી છેલ્લી ત્રણ ટીમની સ્થિતિ આ મુજબ છેઃ હૈદરાબાદ (7 પૉઇન્ટ, -1.192નો રનરેટ), રાજસ્થાન (6 પૉઇન્ટ, -0.718નો રનરેટ) અને ચેન્નઈ (6 પૉઇન્ટ, -0.992નો રનરેટ).

હૈદરાબાદની હજી ત્રણ તેમ જ રાજસ્થાન, ચેન્નઈની બે-બે મૅચ બાકી છે. આ ટીમો બને એટલી બાકીની મૅચો જીતીને રહીસહી આબરૂ સાથે આઇપીએલ-2025ના અલવિદા કરવા કમર કસશે.

ગુજરાત ટાઇટન્સઃ

મૅચઃ 11, પૉઇન્ટઃ 16, રનરેટઃ +0.793
બાકીની મૅચ કોની સામે?: દિલ્હી, લખનઊ, ચેન્નઈ
વિગતઃ શુભમન ગિલના સુકાનમાં ગુજરાતની ટીમ બાકીની ત્રણમાંથી ફક્ત એક મૅચ જીતશે એટલે પ્લે-ઑફમાં પહોંચી જશે. 18 પૉઇન્ટ સાથે તે ટૉપ-ફોરમાં બિરાજમાન રહેશે. જો ગુજરાતની ટીમ ત્રણેય મૅચ હારી જશે તો સ્પર્ધાની બહાર થઈ શકે, કારણકે 17-17 પૉઇન્ટ સાથે ચાર ટીમ એને ઓવરટેક કરી શકશે. જોકે ગુજરાતની છેલ્લી બે મૅચ અમદાવાદમાં છે જ્યાં આ વખતે એનો 4-1નો જીત-હારનો રેશિયો છે જે એના ફેવરમાં છે.

રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુઃ

મૅચઃ 11, પૉઇન્ટઃ 16, રનરેટઃ +0.482
બાકીની મૅચ કોની સામે?: કોલકાતા, હૈદરાબાદ, લખનઊ
વિગતઃ ગુજરાતની જેમ બેંગલૂરુને પણ પ્લે-ઑફમાં પહોંચવા ફક્ત એક વિજયની જરૂર છે. અન્ય મૅચોના પરિણામો બેંગલૂરુની વિરુદ્ધમાં જશે તો પણ 16 પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં જશે. જોકે બેંગલૂરુ ત્રણમાંથી બે મૅચ જીતશે તો પણ ટૉપ-ટૂમાં આવશે એ નક્કી નથી. યાદ રહે, છેલ્લે ટોચના બે સ્થાને રહેનારી ટીમ વચ્ચે ક્વૉલિફાયર-વન રમાય જેમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જાય. ગુજરાત અને પંજાબ 20-20 પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં રહી શકે એમ છે.

પંજાબ કિંગ્સઃ

મૅચઃ 11, પૉઇન્ટઃ 15, રનરેટઃ +0.376
બાકીની મૅચ કોની સામે?: રાજસ્થાન, દિલ્હી, મુંબઈ
વિગતઃ પંજાબને પ્લે-ઑફમાં જવા બે જીત જરૂરી છે. એક વિજય મેળવશે એ પૂરતો નથી, કારણકે પાંચ ટીમ 17-17 પૉઇન્ટ બતાવી શકે એમ છે. હા, પંજાબ ત્રણેય મૅચ હારે તો પણ પ્લે-ઑફમાં જઈ શકે, પરંતુ એ માટે જરૂરી છે કે દિલ્હી એની બાકીની બન્ને મૅચ હારી જાય. જોકે પંજાબ ત્રણેય હારે એવી ટીમ નથી.

મુંબઈ ઇન્ડિયન્સઃ

મૅચઃ 12, પૉઇન્ટઃ 14, રનરેટઃ +1.156
બાકીની મૅચ કોની સામે?: દિલ્હી, પંજાબ
વિગતઃ ગુજરાત સામેના પરાજય છતાં મુંબઈની ટીમ પોતાનું ભાગ્ય જાતે ઘડી શકે એમ છે. મુંબઈ બાકીની બન્ને મૅચ જીતી જશે તો 18 પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં પહોંચી જશે. જો મુંબઈ 16 પૉઇન્ટ પર જ અટકી જશે તો (બેમાંથી એક જ મૅચ જીતશે તો) અન્ય મૅચોના પરિણામો પર મુંબઈએ નિર્ભર રહેવું પડશે જે લગભગ દરેક સીઝનમાં બન્યું છે. હા, મુંબઈ બાકીની બન્ને મૅચ હારી જશે તો સ્પર્ધાની બહાર થવાની સંભાવના ઘણી વધી જશે. ખાસ વાત એ છે કે મુંબઈનો રનરેટ (+1.156) ઘણા દિવસોથી તમામ ટીમોમાં સર્વશ્રેષ્ઠ રહ્યો છે જે છેલ્લે એને કામ લાગી શકે.

દિલ્હી કૅપિટલ્સઃ

મૅચઃ 11, પૉઇન્ટઃ 13, રનરેટઃ +0.362
બાકીની મૅચ કોની સામે?: ગુજરાત, મુંબઈ, પંજાબ
વિગતઃ હૈદરાબાદ સામેની મૅચ ધોવાઈ જતાં દિલ્હીને જે એક પૉઇન્ટ મળ્યો એ આશીર્વાદ કહી શકાય. 15 પૉઇન્ટ સાથે દિલ્હીની ટીમ ટૉપ-ફોરમાં રહી શકે અને એ માટે જરૂરી છે કે અન્ય મૅચોના પરિણામો એની તરફેણમાં હોય. દિલ્હી ત્રણમાંથી બે મૅચ જીતશે અને એના 17 પૉઇન્ટ રહેશે તો પણ પૂરતા નથી, કારણકે બીજી ચાર ટીમ 17-17 પૉઇન્ટ સાથે પ્લે-ઑફનો દાવો કરી શકશે.

કોલકાતા નાઇટ રાઇડર્સઃ

મૅચઃ 12, પૉઇન્ટઃ 11, રનરેટઃ +0.193
બાકીની મૅચ કોની સામે?: બેંગલૂરુ, હૈદરાબાદ
વિગતઃ આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ સ્પર્ધાની બહાર થવાની તૈયારીમાં છે. કારણ એ છે કે એક જીત બદલ બે પૉઇન્ટ મળતા હોવાથી એના વધુમાં વધુ 15 પૉઇન્ટ થઈ શકે અને બે ટીમ (ગુજરાત, બેંગલૂરુ) અગાઉથી જ 15 કરતાં વધુ પૉઇન્ટ સાથે આગળ છે. પંજાબના 15 પૉઇન્ટ છે અને એની હજી ત્રણ મૅચ બાકી છે. કોલકાતા એવું પણ ઇચ્છશે કે મુંબઈ બાકીની બન્ને મૅચ હારીને 14 પૉઇન્ટ પર જ અટકી જાય.

લખનઊ સુપર જાયન્ટ્સઃ

મૅચઃ 11, પૉઇન્ટઃ 10, રનરેટઃ -0.469
બાકીની મૅચ કોની સામે?:હૈદરાબાદ, ગુજરાત, બેંગલૂરુ
વિગતઃ રિષભ પંતના સુકાનવાળી અને ઉદ્યોગપતિ સંજીવ ગોયેન્કાની આ ટીમ સતત ત્રણ મૅચ હારી જતાં અને છેલ્લી પાંચમાંથી ચાર મૅચ હારી જતાં મોટી મુસીબતમાં છે. લખનઊની ટીમ બાકીની ત્રણેય મૅચ જીતીને 16 પૉઇન્ટ પર રહેશે અને ઉપરની એકાદ-બે મોટી ટીમ પોતાની બધી મૅચો હારી જશે તો લખનઊનો પ્લે-ઑફનો માર્ગ મોકળો થઈ જશે. હા, એટલું નક્કી છે કે માઇનસમાં રનરેટ ધરાવતી એકમાત્ર ટીમ લખનઊ હવે એક મૅચ હારશે એટલે થઈ જશે આઉટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button