સૂર્યવંશી વિશે શુભમન ગિલે એવું તે શું કહ્યું કે જે અજય જાડેજાને ન ગમ્યું?

જયપુરઃ સોમવારે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર) દિગ્ગજ બૅટ્સમેનોને ઝાંખા પાડી દે અને ખ્યાતનામ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરી મૂકતી જે ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો એની અનેક જાણીતા ખેલાડીઓએ વાહ-વાહ કરી અને એમાં એ દિવસની હરીફ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) શુભમન ગિલે જે કંઈ કહ્યું એ ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા (AJAY JADEJA)ને ન ગમ્યું.
વૈભવ આ ઇનિંગ્સથી ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં ચમકી ગયો છે. સોમવારે મૅચ પછી રાત્રે પરાજિત ટીમના સુકાની શુભમન ગિલ (SHUBHMAN GILL)ને જ્યારે સૂર્યવંશીની ઇનિંગ્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સૂર્યવંશીનો નસીબવંતો દિવસ' એવું કહીને જવાબ આપ્યો હતો. ગિલે કહ્યું,
તે જે રીતે શૉટ મારી રહ્યો હતો એ દૃશ્યો અદ્ભુત હતા. તેણે પોતાના લકી ડે (LUCKY DAY)નો પૂરો ફાયદો ઉઠાવ્યો.’
ગિલની આ ટિપ્પણી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને ન ગમી અને તેણે કહ્યું કે `સૂર્યવંશીની ઇનિંગ્સને લકી ગણાવવી એ તેની પ્રતિભાનું અપમાન કરવા સમાન છે. ઊલટાનું આવા યુવા ખેલાડીઓનું આપણે સન્માન કરવું જોઈએ.’
બિહારના સૂર્યવંશીની આ ઇનિંગ્સે મૅચની દિશા તો બદલી જ નાખી, ક્રિકેટપ્રેમીઓમાં તે ખૂબ જ સારા અર્થમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દેશભરના તમામ રાજ્યોમાં ગલી-ગલીએ સૂર્યવંશીનું નામ ચર્ચાય છે.
સૂર્યવંશીની ઇનિંગ્સની પ્રશંસા દિગ્ગજ ક્રિકેટરોએ કરી છે જેમાં સચિન તેન્ડુલકર, યુવરાજ સિંહ, હરભજન સિંહ તેમ જ તેના રાજસ્થાન રૉયલ્સ ટીમના હેડ-કોચ રાહુલ દ્રવિડે કરી છે.
સૂર્યવંશીની આ દમદાર સેન્ચુરીની મદદથી રાજસ્થાને 210 રનનો લક્ષ્યાંક 16મી જ ઓવરમાં આઠ વિકેટ બાકી રાખીને મેળવી લીધો હતો.
આપણ વાંચો: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી ‘ગોડ ઓફ ક્રિકેટ’ આફરીન, રોહિત-યુસુફ પઠાણે શું કહ્યું?