IPL 2025

વિરાટને સેન્ચુરી પૂરી કરવા જોઈએ છે એક હાફ સેન્ચુરી, જાણો કઈ રીતે…

આજે બપોરે 3.30 વાગ્યાથી 38 ડિગ્રી ગરમીમાં બેંગ્લૂરુ અને રાજસ્થાન વચ્ચે જંગ

જયપુર: સંજુ સૅમસનના સુકાનમાં અને રાહુલ દ્રવિડના કોચિંગમાં રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ પાંચ મૅચમાંથી ત્રણમાં પરાજય અને બેમાં વિજય જોયા બાદ આ વખતે (આજે) પહેલી વાર જયપુરના હોમ-ગ્રાઉન્ડ (સવાઈ માનસિંહ સ્ટેડિયમ)માં રમશે જેમાં જયપુરની 38 ડિગ્રી તાપમાન વચ્ચે એનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે થશે. આ સીઝનમાં આરઆર માટે અત્યાર સુધી ગુવાહાટી હોમ-સિટી હતું.

આજની મૅચ ખાસ કરીને આરસીબીના મુખ્ય બૅટ્સમૅન વિરાટ કોહલી (VIRAT KOHLI) માટે ઐતિહાસિક બની શકે.

ટી-20 ફોર્મેટમાં વિરાટની કુલ 99 હાફ સેન્ચુરી છે. તે એક ફિફટી નોંધાવશે એટલે 100મા ફિફટી સાથે ‘હાફ સેન્ચુરીની સેન્ચુરી’ પૂરી કરશે.

સમગ્ર ટી-20માં 100 હાફ સેન્ચુરી એક જ બૅટ્સમૅન કરી શક્યો છે અને એ છે ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વૉર્નર જેણે 108 હાફ સેન્ચુરી ફટકારી છે. વિરાટ હવે એક હાફ સેન્ચુરી પૂરી કરશે એટલે ટી-20 ફોર્મેટમાં 100 ફિફટી ધરાવતો વૉર્નર પછીનો વિશ્વનો બીજો ખેલાડી બની જશે.

બીજું, આઈપીએલ (IPL)માં સૌથી વધુ 66 હાફ સેન્ચુરી વૉર્નરના નામે છે. વિરાટ એક અડધી સદી કરશે એટલે એ રેકૉર્ડમાં વૉર્નરની બરાબરીમાં થઈ જશે.

કોહલીએ કેમ સંદીપ શર્માથી ચેતવું પડશે?

2015ની સાલમાં ભારત વતી બે ટી-20 રમી ચૂકેલા રાજસ્થાન રોયલ્સના પેસ બોલર સંદીપ શર્માએ 16માંથી સાત ઇનિંગ્સમાં કોહલીને આઉટ કર્યો છે એટલે આ વખતે કોહલીએ તેની બોલિંગ સામે ખાસ સંભાળીને રમવું પડશે.

પાટીદારની પલ્ટનનો જયપુરમાં પણ જયજયકાર?

રજત પાટીદારના સુકાનમાં આરસીબીની ટીમ વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સને 10 વર્ષે પહેલી વાર અને ચેન્નઈમાં સીએસકેને 17 વર્ષમાં પહેલી વાર તેમ જ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાને ઈડન ગાર્ડન્સમાં હરાવીને હવે આરસીબીના ખેલાડીઓ રાજસ્થાનને એના હોમ-ટાઉન જયપુરમાં હરાવવા આવ્યા છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

બેંગ્લૂરુ: રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, લિઆમ લિવિંગસ્ટન/જૅકબ બેથેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉસ હેઝલવૂડ, યશ દયાલ. 12મો પ્લેયર: સુયશ શર્મા.

રાજસ્થાન: સંજુ સૅમસન (કેપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, વનિન્દુ હસરંગા, જોફરા આર્ચર, માહીશ થીકશાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે/કુમાર કાર્તિકેય. 12મો પ્લેયર: ફઝલહક ફારુકી.

આપણ વાંચો:  SRH vs PBKS: ‘પહલે મેરેસે પૂછો ના’ શ્રેયસ ઐયર અમ્પાયર પર ગુસ્સે કેમ ભરાયો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button