વ્હીલ ચેર પર બેઠેલા રાહુલ દ્રવિડને જોતા જ વિરાટ નીચે ઝુકીને ગળે મળ્યો, જુઓ વિડીયો

જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 28મી મેચ આજે રવિવારે રાજસ્થાન રોયલ્સ(RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો આ મેચ માટે તૈયારીઓ કરી રહી છે. RRએ પ્રેક્ટિસ સેશનની કેટલીક ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એક વિડીયોમાં RCBનો સ્ટાર બેટર વિરાટ કોહલી RRના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મસ્તી-મજાક કરતા મળ્યો હતો. વિડીયોમાં જોવા મળે છે કે વિરાટ વ્હીલ ચેર પર બેઠલા રાહુલ દ્રવિડને ભેટી પડે (Virat Kohli hugs Rahul Dravid) છે.

RR દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે વિરાટ કોહલી દૂરથી ચાલીને રાહુલ દ્રવિડ પાસે પહોંચે છે અને નીચે ઝૂકીને વ્હીલ ચેર પર બેઠલા રાહુલ દ્રવિડને ગળે મળે છે. આ દરમિયાન બંને હસતા જોવા મળ્યા. વિરાટ કોહલી દ્રવિડ સાથે મજાક કરતો પણ જોવા મળ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે વીડિયો શેર કર્યો અને લખ્યું, “તમે યુવાન હો કે નં.18ના ખેલાડી, પહેલા તમારે રાહુલ ભાઈને મળવું પડશે.”
કોહલી અને દ્રવિડની મુલાકાત દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પણ હાજર હતો. વિરાટ કોહલી IPL 2025 માં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે, આ સિઝનમાં તેણે અત્યાર સુધીમાં બે ફિફ્ટી ફટકારી છે.
રાહુલ દ્રવિડને પગમાં ફ્રેક્ચર થયું:
IPL 2025 શરૂ થાય તે પહેલાં જ, RRના કોચ રાહુલ દ્રવિડને પગમાં ફ્રેક્ચર થયું હતું, ત્યારબાદ તેઓ સિઝનમાં અત્યાર સુધી વ્હીલચેર પર જોવા મળ્યા છે. દ્રવિડ વ્હીલચેર પર બેસીને મેદાનમાં આવ્યા અને તેને જોઈને વિરાટ કોહલી ઘૂંટણિયે બેસીને તેને ભેટી પડ્યો.
આપણ વાંચો: વિરાટને સેન્ચુરી પૂરી કરવા જોઈએ છે એક હાફ સેન્ચુરી, જાણો કઈ રીતે…
વિરાટ-રાહુલ-વિક્રમની ત્રિપુટી:
વીડિયોમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ જોવા મળી રહ્યા છે. વિરાટ તેમની સાથે પણ મસ્તીના મૂડમાં જોવા મળે છે. એક સમયે આ ત્રિપુટીએ મળીને ભારતીય ક્રિકેટ ટીમને ઘણા ખિતાબ જીતવામાં મદદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
RCB 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને છે, જ્યારે RRની ટીમ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.