IPL: આ ટીમોએ બેટર્સને રિટાયર્ડ આઉટ કર્યા છતાં જીતીના શકી; દિગ્ગજ ખેલાડીઓએ સવાલ ઉઠાવ્યા…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 22મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે રમાઈ હતી. CSKની ઇનિંગ દરમિયાન ડેવોન કોનવે સારી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તે રિટાયર્ડ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. 4 એપ્રિલના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ(MI) વચ્ચે રમાયેલી મેચમાં તિલક વર્મા પણ રિટાયર્ડ આઉટ થયો હતો. એવામાં લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે કે સેટ બેટ્સમેન મેદાન કેમ છોડી રહ્યા છે.
ક્રિકેટ વિશ્લેષકો, ભૂતપૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો પણ ખેલાડીઓના રિટાયર્ડ આઉટ થવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે શું ગેરંટી છે કે નવો આવનાર ખેલાડી ઝડપથી રન બનાવશે?
પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો બેટ્સમેન ડેવોન કોનવે 18મી ઓવરમાં ‘રિટાયર્ડ આઉટ’ થયો, ત્યારે તે 49 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો હતો. તે સમયે CSKને જીત માટે 13 બોલમાં 49 રનની જરૂર હતી.
કોનવેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા મેદાનમાં આવ્યો, પરંતુ CSKનો આ દાવ સફળ રહ્યો નહીં. મેચમાં CSKને 18 રનથી હાર મળી.
મેચ બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ખુલાસો આપ્યો કે ટીમે કોનવેને ઝડપથી રન બનાવવાની તક આપી હતી, પરંતુ જ્યારે રીક્વાયર્ડ રન રેટ વધ્યો અને તે ઝડપથી રન બનાવી શક્યો નહીં, ત્યારે તેને પાછા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ઋતુરાજ ગાયકવાડના નિર્ણય સામે સવાલ:
કોનવેને રિટાયર્ડ આઉટ કરવાના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નિર્ણય અંગે ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે આશ્ચર્ય વ્યક્ત કર્યું. પીયૂષ યુઝુવાલા અને વસીમ જાફરે કહ્યું કે આ નિર્ણય મોડો લેવામાં આવ્યો હતો. દરમિયાન, ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે ટીમની બેટિંગની ગતિ વચ્ચેની ઓવરોમાં ધીમી પડી ગઈ હતી.
તિલક વર્મા પણ રિટાયર્ડ આઉટ થયો હતો:
IPL 2025 ની 16મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન, LSGએ આપેલો 204 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માને રિટાયર કરવાનો નિર્ણય લીધો હતો.
તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા સામા છેડે ઊભો હતો. સાત બોલ બાકી હતા ત્યારે તિલક વર્માને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, તે સમયે તિલક 23 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો હતો.
શાર્દુલ ઠાકુરની ઓવરના છેલ્લા બોલ પહેલા, તિલક અચાનક મેદાન છોડીને ચાલ્યો ગયો. ત્યારબાદ મિશેલ સેન્ટનર બેટિંગ કરવા આવ્યો. MI ને જીત માટે 7 બોલમાં 24 રનની જરૂર હતી. MI 12 રને મેચ હારી ગઈ. હરભજન સિંહે પણ તિલક વર્માને રિટાયર કરવા સામે પ્રશ્નો ઉઠાવ્યા. હરભજન સિંહે ‘X’ પર લખ્યું હતું – મારા મતે સેન્ટનેર માટે તિલકને રિટાયર કરવો એ ભૂલ હતી? જો પોલાર્ડ કે બીજા કોઈ બેટ્સમેન સાથે આવું થયું હોત, તો હું સમજી શક્યો હોત, પણ હું આ નિર્ણય સાથે સહમત નથી.
આપણ વાંચો : સૉલ્ટ-ડેવિડનો બાઉન્ડરી લાઇન કૅચ આઇપીએલ-2025નો બેસ્ટ કૅચ બની શકે…