કોલકાતાને બૅટિંગની આતશબાજી બાદ વૈભવ-વરુણે વિજય અપાવ્યો
કેકેઆર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ઈડનમાં વિજયીઃ રહાણે, રઘુવંશી, વેન્કટેશ, રિન્કુની ધમાકેદાર બૅટિંગ

કોલકાતાઃ ગઈ કાલે અહીં ઈડન ગાર્ડન્સમાં ટૉસ સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) જીત્યો હતો, પણ 2024ની વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી 80 રનના તોતિંગ માર્જિન સાથે આઈપીએલ (IPL 2025)ની એકપક્ષી બનેલી મૅચ જીતી લીધી હતી. કેકેઆરે આપેલા 201 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે પૅટ કમિન્સની ટીમ 16.4 ઓવરમાં 120 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં હિન્રિક ક્લાસેનના 33 રન અને નવા ઑલરાઉન્ડર કામિન્ડુ મેન્ડિસના 27 રન સામેલ હતા.
કેકેઆરના તમામ બોલર્સને વિકેટ મળી હતી જેમાં 27 વર્ષીય પેસ બોલર વૈભવ અરોરા (4-1-29-3) અને સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-22-3) સૌથી સફળ બોલર હતા. રસેલને બે તેમ જ નારાયણ-હર્ષિતને એક-એક વિકેટ મળી હતી.

એક તબક્કે હૈદરાબાદે ફક્ત નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ખતરારૂપ ઓપનર અને ઇમ્પૅક્ટ પ્લેયર ટ્રૅવિસ હેડ (ચાર રન)ની વિકેટ ગુમાવીને ધબડકા સાથે શરૂઆત કરી હતી. તેને વૈભવ અરોરાએ આઉટ કર્યો હતો, જ્યારે અભિષેક શર્મા (બે રન)ની હર્ષિત રાણાએ વિકેટ લીધા બાદ વૈભવે પછીની ઓવરમાં ઇશાન કિશન (બે રન)ને પૅવિલિયન ભેગો કર્યો હતો.
એ પહેલાં, કેકેઆરે ધબડકા સાથે શરૂઆત કરી હતી, પણ પછી ચાર ઉપયોગી ઇનિંગ્સની મદદથી કેકેઆરની ટીમે 20 ઓવરને અંતે છ વિકેટના ભોગે 200 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. 31મી માર્ચે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પરાજિત થઈને ઈડન પહોંચેલી કેકેઆરની ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણે (38 રન, 27 બૉલ, ચાર સિક્સર, એક ફોર) તેમ જ અંગક્રિશ રઘુવંશી (50 રન, 32 બૉલ, બે સિક્સર, પાંચ ફોર), વેન્કટેશ ઐયર (60 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) તેમ જ રિન્કુ સિંહે (32 અણનમ, 17 બૉલ, એક સિક્સર, ચાર ફોર) ટીમને 200 રનનો જાદુઈ આંક અપાવ્યો હતો.
મૅચની શરૂઆત બાદ 14મા રને કેકેઆરે ક્વિન્ટન ડિકૉક (એક રન) અને 16મા રને સુનીલ નારાયણ (સાત રન)ની વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ રહાણે-રઘુવંશી વચ્ચે ત્રીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી વેન્કટેશ-રિન્કુ વચ્ચે 91 રનની પાર્ટનરશિપ થઈ હતી.
હૈદરાબાદ વતી શમી, કમિન્સ, ઝીશાન, હર્ષલ પટેલ અને કામિન્ડુ મેન્ડિસે એક-એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદના હર્ષલ પટેલે બાઉન્ડરી લાઇન પરથી આગળ તરફ દોડી આવીને કોલકાતાના રઘુવંશીનો જે કૅચ ઝીલ્યો એ વર્લ્ડ-ક્લાસ કૅચીઝમાં જરૂર ગણાશે.