આઇપીએલને સરકારની કડક સૂચના…તમાકુ/દારૂ અને સરોગેટની જાહેરખબરો બંધ કરો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને સૂચના આપી છે કે તમાકુ અને આલ્કોહૉલના તમામ પ્રકારના પ્રમોશન પર પ્રતિબંધ મૂકી દો. બાવીસમી માર્ચે શરૂ થતી ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ દરમ્યાન સરોગેટ સંબંધિત ઍડ પણ પ્રસારિત ન થાય એ પણ ધ્યાન રાખજો.
Also read : IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
આરોગ્ય સેવાઓને લગતા વિભાગના ડિરેકટર જનરલ અતુલ ગોએલે આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલને પત્રમાં જણાવ્યું છે કે ક્રિકેટરો ભારતની યુવા પેઢી માટે રૉલ મોડેલ હોય છે એટલે તેઓ તમાકુ કે આલ્કોહૉલને લગતી કોઈ પણ પ્રકારના ઍડવર્ટાઇઝિંગ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ન હોવા જોઈએ.’
આરોગ્ય મંત્રાલયે એવો આદેશ પણ આપ્યો છે. કે આઇપીએલની મૅચો/ઇવેન્ટ્સ રાખવામાં આવી હોય એ સ્ટેડિયમોમાં તેમ જ રાષ્ટ્રીય ટેલિવિઝન પરના પ્રસારણ દરમ્યાન તમાકુ/આલ્કોહૉલ તેમ જ સરોગેટને લગતી જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવો અને એ બૅનનો ચુસ્તપણે બરાબર અમલ થાય એની તકેદારી પણ રાખવી. આઇપીએલ સંબંધિત તમામ ખેલકૂદ વિષયક સુવિધાઓ ખાતે તેમ જ આઇપીએલ સાથે સંકળાયેલી તમામ ઇવેન્ટ્સમાં તમાકુ/આલ્કોહૉલના ઉત્પાદનોનું વેચાણ પણ ન થવું જોઈએ.’
આઇપીએલ પોણાબે મહિના સુધી ચાલતી હોય છે અને એ સમયગાળા દરમ્યાન દેશભરમાં કરોડો લોકો ટીવી પર એની મૅચો જોતા હોય છે. એ દૃષ્ટિએ જાહેરખબરો આપનારાઓમાં આ ટૂર્નામેન્ટ ખૂબ લોકપ્રિય બની જાય છે.’ આઇપીએલ માટેના આરોગ્ય મંત્રાલયના પત્રમાં એવું પણ જણાવાયું છે કે `ભારતમાં હૃદય તથા ફેફસાને લગતી બીમારીઓ, કૅન્સર, ડાયાબિટિસ, હાઇપરટેન્શન વગેરે બીમારીઓનું પ્રમાણ ખૂબ છે. દર વર્ષે 70 ટકા જેટલા મૃત્યુ આ બધી બીમારીઓથી નોંધાતા હોય છે.
Also read : IPL 2025 માટે Schedule જાહેર; ક્યારે અને ક્યાં રમાશે ફાઇનલ? જુઓ સંપૂર્ણ શેડ્યુલ
આ બીમારીઓ માટે તમાકુ તથા આલ્કોહૉલનો ઉપયોગ વધુ જવાબદાર હોય છે. વિશ્વભરમાં તમાકુને લીધે થતા મૃત્યુની સંખ્યામાં ભારત બીજા નંબરે છે. દર વર્ષે ભારતમાં 14 લાખ લોકો તમાકુને કારણે મૃત્યુ પામતા હોય છે. ભારતીયોમાં આલ્કોહૉલનું વ્યસન પણ સામાન્ય બાબત છે. ક્રિકેટરો યુવા પેઢી માટે રૉલ મોડેલ હોય છે એટલે તેમનું જાહેર આરોગ્ય સચવાય, તેઓ સક્રિય લાઇફસ્ટાઇલ માણે એ માટે ક્રિકેટરોની નૈતિક જવાબદારી છે. આઇપીએલ દેશના ખેલકૂદ ક્ષેત્રે સૌથી મોટો મંચ છે એ જોતાં જાહેર જનતાનું આરોગ્ય સચવાય એ પ્રત્યે ખેલાડીઓની નૈતિક જવાબદારી છે તેમ જ સરકારની આરોગ્ય સંબંધિત પહેલને ટેકો આપવાની પણ તેમની જવાબદારી છે.’