50મી મૅચમાં બે ફિફ્ટી થયા, બે થતાં રહી ગયા
રોહિત-રિકલ્ટન વચ્ચે 116ની ભાગીદારી, હાર્દિક-સૂર્યાના 48-48 રન અને બીજું ઘણું એકસરખું!

જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે આઇપીએલ-2025ની 50મી મૅચમાં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં બે વિકેટે 217 રન કર્યા હતા. છેલ્લી પાંચેય મૅચ જીતનાર એમઆઇના બે હાફ સેન્ચુરિયન ઓપનરો રાયન રિકલ્ટન (61 રન, 38 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને રોહિત શર્મા (53 રન, 36 બૉલ, નવ ફોર) વચ્ચે 71 બૉલમાં 116 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. એમાં બાવન રન રોહિતના અને 61 રન રિકલ્ટનના હતા.
116મા રને રિકલ્ટનની અને 123મા રને રોહિતની વિકેટ પડ્યા બાદ કૅપ્ટન હાર્દિક પંડ્યા (48 અણનમ, 23 બૉલ એક સિક્સર, છ ફોર, 208.69નો સ્ટ્રાઇક-રેટ) અને સૂર્યકુમાર યાદવ (48 અણનમ, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર, 208.69નો સ્ટ્રાઇક-રેટ) વચ્ચે 44 બૉલમાં 94 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. છેલ્લી પાંચ ઓવરમાં તેમણે 71 રન ખડકી દીધા હતા અને એમઆઇનો સ્કોર 200 રનને પાર કરાવ્યો હતો.
આ પણ વાંચો: રાજસ્થાને ફીલ્ડિંગ પસંદ કરી, મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહીં
વર્તમાન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 475 રન બદલ સૂર્યકુમારને ઑરેન્જ કૅપ મળી હતી.
અફઘાનિસ્તાનના 24 વર્ષીય લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીને કૅપ્ટન રિયાન પરાગે 18મી ઓવર આપી હતી જેમાં હાર્દિકે (4, 6, 2, 4, 4) ત્રણ ફોર અને એક સિક્સર સહિત કુલ 20 રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરમાં એક લેગ બાય સહિત કુલ 21 રન થયા હતા. 20મી ઓવર આકાશ મઢવાલને અપાઈ હતી જેમાં સૂર્યા-હાર્દિકે 13 રન ફટકાર્યા હતા.
રાજસ્થાન વતી રિયાન પરાગ અને થીકશાનાએ એક-એક વિકેટ લીધી હતી.
રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર કરાયા હતા, પરંતુ મુંબઈની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો.
રાજસ્થાનની ટીમમાં ઈજાગ્રસ્ત વનિન્દુ હસરંગા અને સંદીપ શર્માના સ્થાને અનુક્રમે કુમાર કાર્તિકેય અને આકાશ મઢવાલને ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા.
હસરંગાને સ્નાયુઓમાં દુખાવો છે, જ્યારે સંદીપ શર્મા આંગળીના ફ્રૅક્ચરને કારણે આ ટૂર્નામેન્ટ (IPL-2025)ની બહાર થઈ ગયો છે.