IPL 2025

મારો આ સાથી ખેલાડી મુંબઈના રહેઠાણોના ભાવ જેવો છેઃ હાર્દિકે આવું કોના માટે કહ્યું?

મુલ્લાંપુરઃ મુંબઈ ઇન્ડિન્સ (MI)ની ટીમ પાંચ ટાઇટલ જીત્યા પછી હવે છઠ્ઠા ટાઇટલની લગોલગ પહોંચી ગઈ એને પગલે કૅપ્ટન હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)એ ટીમના દરેક ખેલાડીને બિરદાવ્યો છે. ખાસ કરીને તેણે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) પર પ્રશંસાની વર્ષા વરસાવી છે.

મુંબઈએ પાંચ વિકેટે 228 રન કર્યા પછી ગુજરાતની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવી શકતા મુંબઈનો 20 રનથી વિજય થયો હતો. ગુજરાતના સાઇ સુદર્શન (80 રન, 49 બૉલ, એક સિક્સર, દસ ફોર) અને વૉશિંગ્ટન સુંદર (48 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 44 બૉલમાં 84 રનની ભાગીદારી થઈ હતી. તેમણે ટીમનો સ્કોર 67 રન પરથી 151 રન પર પહોંચાડ્યો હતો, પણ એ તબક્કે (14મી ઓવરમાં) બુમરાહ ત્રાટક્યો હતો. તેણે ગજબના યૉર્કરમાં વૉશિંગ્ટનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેનું સ્ટમ્પ ઉખડી ગયું હતું. વૉશિંગ્ટન સમતોલપણું ગુમાવી બેઠો હતો અને ક્રીઝમાં નીચે પડ્યો હતો. તેના પછી રિચર્ડ ગ્લીસને સુદર્શનને ક્લીન બોલ્ડ કર્યો હતો.

આ પણ વાંચો: મુંબઈ જીત્યું, પંજાબ સામે રવિવારે `સેમિ ફાઇનલ’ રમશેઃ ગુજરાત આઉટ…

મુંબઈ વતી પહેલી જ મૅચ રમેલા બ્રિટિશ પેસ બોલર રિચર્ડ ગ્લીસને ગુજરાતની ટીમે 20મી ઓવરમાં જ્યારે જીતવા 24 રન કરવાના હતા ત્યારે ઓવરની બહુ સારી શરૂઆત કરી હતી. પહેલા ત્રણ બૉલમાં ફક્ત ત્રણ રન થયા અને મુંબઈની જીત નક્કી થઈ ગઈ હતી. જોકે ગ્લીસન ઈજાને કારણે પાછો જતો રહ્યો અને અશ્વની કુમારે એક વિકેટ લેવાની સાથે ઓવર સફળ રીતે પૂરી કરી હતી. એ પહેલાં, બુમરાહની 18મી ઓવરમાં ફક્ત નવ રન થયા હતા.

હાર્દિકને મૅચ પછી કહ્યું, `ગ્લીસને બહુ સારી બોલિંગ કરી. જસ્સી (જસપ્રીત બુમરાહ) એટલે જસ્સી. તેના જેવો કોઈ નહીં. અશ્વનીએ પણ સરસ બોલિંગ કરી. બુમરાહની વાત કરું તો તેના વિશે મારા મનમાં બહુ સરળ સમજ છે. જ્યારે પણ મને લાગે કે બાજી હાથમાંથી જઈ રહી છે ત્યારે હું તેને મોરચા પર લાવું છું અને તે વિકેટ અપાવે જ છે. મારી દૃષ્ટિએ તે મુંબઈના રહેઠાણોના ભાવ (HOUSING PRICES) જેવો છે. ખરેખર, તે ખૂબ મૂલ્યવાન છે.’

હાર્દિકનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે જેમ મુંબઈમાં હાઉસિંગ પ્રાઇસીસ કાબૂ બહાર થઈ જાય ત્યારે એક એવું પરિબળ હોય છે જે એ ભાવ પર અંકુશ અપાવી દે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button