દિલ્હીને સ્ટાર્કે પાંચ વિકેટ અપાવી, પણ નવાસવા અનિકેતે હૈદરાબાદની આબરૂ સાચવી

વિશાખાપટનમઃ અહીં આઇપીએલ (IPL 2025)ના એક મહત્ત્વના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ દિલ્હી કૅપિટલ્સ (DC) સામે પહેલા બૅટિંગ પસંદ કરવાનો નવાઈ પમાડનારો નિર્ણય લીધો હતો અને ધબડકા સાથે શરૂઆત કર્યા બાદ છેવટે 163 રનના સન્માનજનક સ્કોર સાથે ઇનિંગ્સ પૂરી કરી હતી. દિલ્હીની ટીમના મુખ્ય બોલર મિચલ સ્ટાર્કે (Mitchell Starc) પાંચ વિકેટ લીધી હતી, જ્યારે હૈદરાબાદ માટે એકમાત્ર અનિકેત વર્મા (Aniket Verma) આશાનું કિરણ બન્યો હતો અને તેણે 74 રન બનાવીને હૈદરાબાદની ટીમને મોટી નામોશીથી બચાવી લીધી હતી.
અનિકેત 58 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો અને 41 બૉલની ઇનિંગ્સમાં છ સિક્સર તથા પાંચ ફોર સાથે 74 રન બનાવ્યા હતા. તેની અને હિન્રિક ક્લાસેન વચ્ચે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો: SRH vs DC: ટોસ જીત્યા બાદ હૈદરાબાદની નબળી શરૂઆત, સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે હેડ-શર્મા નિષ્ફળ
ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાં જન્મેલો અનિકેત ઉમાશંકર વર્મા રાઇટ-હૅન્ડ બૅટસમૅન છે. તેણે આ પહેલાં હૈદરાબાદ વતી માત્ર બે મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ 43 રન કર્યા હતા, પણ દિલ્હી સામેની આ મૅચમાં 74 રન બનાવીને પોતાની કાબેલિયત બતાવી દીધી હતી.
કૅપ્ટન પૅટ કમિન્સે અનિકેતને પાંચમા નંબરે રમવા મોકલ્યો હતો. તેને એકમાત્ર ક્લાસેનનો સારો સાથ મળ્યો હતો. ક્લાસેને 19 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા. મોહિત શર્માએ ક્લાસેનને કૅચઆઉટ કરાવીને અનિકેત સાથેની પાર્ટનરશિપ તોડી હતી અને ત્યાર બાદ બીજી કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ શકી અને 18.4 ઓવરમાં 163 રનના સ્કોર પર હૈદરાબાદની ઇનિંગ્સ સમેટાઈ ગઈ હતી. દિલ્હીના મિચલ સ્ટાર્કે 35 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ કુલદીપ યાદવે અને એક વિકેટ મોહિતે મેળવી હતી.
એ પહેલાં, હૈદરાબાદે ખરાબ શરૂઆત કરી હતી. પહેલી જ ઓવરમાં 11મા રન પર અભિષેક શર્મા (1 રન) રનઆઉટ થઈ ગયો હતો. સ્ટાર્કે એક જ ઓવરમાં ઇશાન કિશન (બે રન) અને નીતીશ કુમાર રેડ્ડી (0)ને પૅવિલિયનમાં પાછા મોકલીને સનસનાટી મચાવી દીધી હતી. ધમાકેદાર આરંભ માટે જાણીતા હૈદરાબાદે પચીસ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને 37મા રને ટ્રૅવિસ હેડ (બાવીસ રન, 12 બૉલ, ચાર ફોર) આઉટ થયો ત્યાર પછી અનિકેત-ક્લાસેને બાજી સંભાળી લીધી હતી.