સાઉથ આફ્રિકાના સાત ખેલાડીઓએ આઇપીએલની આ છ ટીમને ચિંતામાં મૂકી દીધી

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયા એક વખત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)નો તાજ જીતી ચૂક્યું છે, પરંતુ સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)ને આ વખતે પહેલી વાર તક મળી રહી છે જેને તે કેમેય કરીને ગુમાવવા નથી માગતું અને એટલે જ સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે આઇપીએલ (IPL-2025)ની બાકીની મૅચોમાં પોતાના કેટલાક ખેલાડીઓના ભાગ લેવા સંબંધમાં બીસીસીઆઇ (BCCI) સમક્ષ દૃઢ વલણ રાખ્યું છે અને કહી દીધું છે કે સાઉથ આફ્રિકાના અમુક પ્લેયરો ભારત-પાકિસ્તાનના ટૂંકા યુદ્ધ બાદ હવે શનિવાર, 17મીથી ફરી શરૂ થનારી આઇપીએલના પ્લે-ઑફ (PLAY-OFF) રાઉન્ડમાં નહીં જ રમે. બીજી રીતે કહીએ તો સાત સાઉથ આફ્રિકન ખેલાડીએ ખાસ કરીને આ ભારતીય ટૂર્નામેન્ટની છ ટીમને ચિંતામાં મૂકી દીધી છે. આ છ ટીમમાં મુંબઈ, ગુજરાત, દિલ્હી, પંજાબ, બેંગલૂરુ અને લખનઊનો સમાવેશ છે. વિઆન મુલ્ડેર હૈદરાબાદની ટીમમાં છે અને હૈદરાબાદની ટીમ સ્પર્ધાની બહાર થઈ ચૂકી છે.
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સને ઝટકો, 500 રન કરનાર બટલર…
આગામી 11મી જૂનથી ઇંગ્લૅન્ડના લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ દિવસની ડબ્લ્યૂટીસીની ફાઇનલ રમાવાની છે. એમાં ચૅમ્પિયન થનારી ટીમને આઇસીસી તરફથી 31 કરોડ રૂપિયા અને રનર-અપ ટીમને 18 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાની તમામ છ ટીમની માલિકી આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓ પાસે છે. એ જોતાં સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ સાથે બીસીસીઆઇના બહુ સારા સંબંધો છે.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સ સામે કેમ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો?
આઇપીએલનો પ્લે-ઑફ રાઉન્ડ ગુરુવાર, 29મી મેએ શરૂ થશે, જ્યારે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટે 31મી મેએ ઇંગ્લૅન્ડમાં ભેગા થવાના છે. બીસીસીઆઇએ તમામ ફ્રૅન્ચાઇઝીઓને સૂચના આપી દીધી છે કે તમારી ટીમમાં સાઉથ આફ્રિકાના ડબ્લ્યૂટીસી માટેના જે ખેલાડીઓ છે તેમને 26મી મે સુધીમાં છૂટા કરી દેજો. એ જોતાં, આ સાઉથ આફ્રિકન ખેલાડીઓ પ્લે-ઑફમાં રમતા નહીં જોવા મળે. મુંબઈને ખાસ કરીને વિકેટકીપર-બૅટ્સમૅન રાયન રિકલ્ટનની ગેરહાજરી સતાવશે, જ્યારે ડ્રગ્સ સંબંધિત સસ્પેન્શનને લીધે અમુક મૅચો ગુમાવનાર કૅગિસો રબાડા થોડા દિવસમાં ગુજરાતની ટીમ ફરી છોડી જશે.
સાત ટીમને હજી પ્લે-ઑફનો ચાન્સ છે. એમાંથી ગુજરાત, બેંગલૂરુ, પંજાબ, મુંબઈ, દિલ્હી સહિતની પાંચ ટીમને સૌથી વધુ મોકો છે. ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાનની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચો: આઇપીએલમાં હવે કોને પ્લે-ઑફનો કેટલો ચાન્સ છે?
કયા સાઉથ આફ્રિકનોએ આઇપીએલની ટીમોની ચિંતા વધારી?
રાયન રિકલ્ટન (મુંબઈ ઇન્ડિયન્સ), કૉર્બિન બૉશ્ચ (મુંબઈ ઇન્ડિયન્સ), કૅગિસો રબાડા (ગુજરાત ટાઇટન્સ), ટ્રિસ્ટેન સ્ટબ્સ (દિલ્હી કૅપિટલ્સ), માર્કો યેનસેન (પંજાબ કિંગ્સ), લુન્ગી ઍન્ગિડી (રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ), એઇડન માર્કરમ (લખનઊ સુપર જાયન્ટ્સ) અને વિઆન મુલ્ડેર (હૈદરાબાદ).