IPL 2025

સિરાજે રોહિતને પહેલી વાર આઉટ કર્યો, પણ હાર્દિકે હરીફ કેપ્ટન ગિલને…

અમદાવાદ: શનિવારે રાત્રે અહીં આઈપીએલ (IPL 2025)માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રનથી હરાવ્યું, એમઆઈની ટીમે આ વખતે સતત બીજી હાર જોઈ, જીટીએ જીતવાનું શરૂ કર્યું અને અમદાવાદમાં જીટી સામે એમઆઈના પરાજયની પરંપરા ચાલુ જ રહી. એ બધું તો ઠીક છે, પણ બંને ટીમના બોલર-બૅટ્સમેનની સામસામે હરીફાઈની વાત કરીએ તો જીટીનો મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને એમઆઈનો હાર્દિક પંડ્યા (Hardik Pandya) સફળ થયો છે.

સિરાજે ગઈ કાલે એમઆઈના બંને ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને રાયન રિકલ્ટનની વિકેટ લીધી હતી. એમાં ખાસ કરીને રોહિતની વિકેટ સિરાજ માટે સૌથી મહત્વની હતી, કારણ કે આઈપીએલમાં તે પહેલી જ વાર રોહિતને આઉટ કરવામાં સફળ થયો છે.

રોહિત સામે તેનો પહેલો ડૉટ-બૉલ હતો અને પછીના ઉપરાઉપરી બે બૉલમાં રોહિતે ફોર ફટકારી હતી. ત્યાર પછીનો બૉલ રોહિતની ડિફેન્સ ભેદીને સ્ટમ્પ્સમાં ગયો હતો અને તેના ઑફ સ્ટમ્પની બેલ પડી ગઈ હતી. રોહિતે ચાર બૉલમાં આઠ રન બનાવ્યા હતા અને તેની વિકેટ પડતાં જ એમઆઈના પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

સિરાજ આ પહેલાં રોહિત શર્માને 10 ઇનિંગ્સમાં ક્યારેય આઉટ નહોતો કરી શક્યો. રોહિતે તેના પંચાવન બૉલમાં 74 રન બનાવ્યા હતા.

બન્ને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ (Shubhman Gill) વચ્ચેની હરીફાઈમાં હાર્દિક ફરી એકવાર મેદાન મારી ગયો છે.

ટૉસ જીતવામાં હાર્દિક સફળ થયો અને મૅચ જીતવામાં ગિલ, પરંતુ બંને કેપ્ટન વચ્ચેની હરીફાઈમાં હાર્દિકે સફળતા મેળવી છે. હાર્દિક ચોથી વખત ગિલની વિકેટ લેવામાં સફળ થયો છે.

હાર્દિકના 18 બૉલનો ગિલે અત્યાર સુધીમાં સામનો કર્યો છે અને એમાં ચાર વખત ગિલે વિકેટ ગુમાવી છે.

આ પણ વાંચો: IPL 2025: ગુજરાતની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો શું છે દરેક ટીમની સ્થિતિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button