શ્રેયસનું પ્રથમ સેન્ચુરીનું બલિદાન, મેક્સવેલના શૂન્યનો રેકોર્ડ
અમદાવાદની હાઈ-સ્કોરિંગ મૅચ યાદગાર બની

અમદાવાદ: અહીં ગઈ કાલે આઈપીએલ (IPL 25)માં પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જે હાઈ સ્કોરિંગ મુકાબલો થયો હતો એમાં પંજાબના નવા કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની સેન્ચ્ચુરીનું બલિદાન આપીને ટીમને વિજય અપાવ્યો હતો, જયારે તેની જ ટીમના ગ્લેન મેક્સવેલે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ઝીરોનો રેકોર્ડ પોતાને નામે કરી લીધો હતો.
આઈપીએલમાં અત્યાર સુધીમાં મેક્સવેલ, રોહિત શર્મા અને દિનેશ કાર્તિકના નામે સૌથી વધુ 18-18 શૂન્ય હતા. મેક્સવેલ મંગળવારે પોતાના પહેલા જ બૉલમાં (ગુજરાતના સાઈ કિશોરના બૉલમાં) રિવર્સ સ્વીપની લાલચમાં એલબીડબલ્યૂ થઈ ગયો હતો અને 19મી વાર ઝીરોમાં આઉટ થતાં હવે આઈપીએલમાં હાઈએસ્ટ ઝીરોનો રેકોર્ડ તેના નામે થઈ ગયો છે.

અમદાવાદ (Ahmedabad)ની આ મૅચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી ત્યાર બાદ શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબે પાંચ વિકેટે 243 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન તથા મૅન ઑફ ધ મૅચ શ્રેયસ ઐયર (97 અણનમ, 42 બૉલ, નવ સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. નવા ઓપનર પ્રિયાંશ આર્યએ 47 રન તથા શશાંક સિંહે અણનમ 44 રન બનાવ્યા હતા. ગુજરાતના સાઈ કિશોરે ત્રણ વિકેટ લીધી હતી. ગુજરાતે ઓપનર સાઈ સુદર્શન (74 રન, 41 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) તેમ જ કેપ્ટન ગિલ (33 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર), જૉસ બટલર (54 રન, 33 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને શેરફેન રૂધરફર્ડ (46 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ના યોગદાનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 232 રન બનાવ્યા હતા અને દિલધડક મૅચમાં પંજાબનો 11 રનથી વિજય થયો હતો.
શ્રેયસને આઈપીએલના ઈતિહાસમાં પોતાની પ્રથમ સદીનો અને આ વખતની ટૂર્નામેન્ટમાં (સનરાઇઝર્સ હૈદરાબાદના ઈશાન કિશન પછીનો) બીજો સેન્ચુરિયન બનવાની તક હતી, પણ તેણે એ મોકો જતો કર્યો હતો.

શ્રેયસે પોતાની ઐતિહાસિક સદીની તક પોતાની ટીમનું ટોટલ તોતિંગ કરવાના આશયથી જવા દીધી હતી.
પ્રથમ બૅટિંગ કરનાર પંજાબના જયારે 19 ઓવરમાં પાંચ વિકેટે 220 રન હતા ત્યારે શ્રેયસ 97 રને અને શશાંક સિંહ (44 અણનમ, 16 બૉલ, બૅ સિક્સર, છ ફોર) બાવીસ રને હતો. મોહમ્મદ સિરાજને 20મી ઓવરની જવાબદારી સોંપાઈ હતી. શશાંક સ્ટ્રાઇક પર હતો. પહેલાં બૉલ પર તેણે ફોર માર્યા બાદ તે શ્રેયસ પાસે ગયો અને પૂછ્યું કે ‘હું સિંગલ રન દોડું જેથી તું તારી પહેલી સદી પૂરી કરી શકે.’
આ પણ વાંચો…IPL 2025: ગુજરાત ટાઇટનની પંજાબ કિંગ્સ સામે 11 રનથી હાર, પંજાબે જીતથી કરી શરૂઆત…
જોકે શ્રેયસે તેને કહ્યું, ‘તું મારી સેન્ચુરીની ચિંતા કર્યાં વગર ફટકાબાજી ચાલુ રાખીને ટીમનું ટોટલ વધારવાની કોશિશ કર.’
શશાંકે બીજા બૉલ પર બે રન લીધા અને પછી સિરાજના બાકીના બૉલમાં ચાર ફોર ફટકારી હતી. એ ઓવર (4, 2, 4, 4, 1 વાઇડ, 4, 4)માં શશાંકની કુલ પાંચ ફોર સહિત 23 રન બન્યા હતા.
શશાંકે મૅચ પછીના ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘પોતાની ઐતિહાસિક સેન્ચુરી નજીક હોય ત્યારે એ ટાળીને ટીમના ટોટલને પ્રાધાન્ય આપવા માટે જીગર હોવું જોઈએ અને શ્રેયસે એ બલિદાનની ભાવના બતાવી. હું તેને 15 વર્ષથી ઓળખું છું. તે વર્ષોથી આવો જ છે. તેના આ નિઃસ્વાર્થ અભિગમે મને વધુ આત્મવિશ્વાસ અપાવ્યો અને હું સિરાજના છેલ્લા ચાર બૉલમાં ચાર ફોર ફટકારી શક્યો હતો.’
શ્રેયસ-શશાંકની જોડીએ 28 બૉલમાં 81 રનની અતૂટ ભાગીદારી કરી હતી. છેલ્લી ચાર ઓવરમાં તેમણે ટીમને 77 રન બનાવી આપ્યા હતા. નવાઈની વાત એ છે કે શ્રેયસે છેલ્લી ત્રણ ઓવરમાં ફક્ત ચાર બૉલનો સામનો કર્યો હતો અને શશાંકને જ ફટકાબાજી કરવા દીધી હતી.
ગુજરાતને 232/5 સુધી સીમિત રખાવવામાં પંજાબના સાત બોલરની મહત્વની ભૂમિકા હતી. અર્શદીપે બે વિકેટ તેમ જ માર્કો યેનસેન અને મેક્સવેલે એક-એક વિકેટ લીધી હતી. ગુજરાતના રાહુલ તેવાટિયા (છે રન)ને અર્શદીપે રનઆઉટ કર્યો હતો.
આઈપીએલમાં કોના સૌથી વધુ ઝીરો?
(1) ગ્લેન મેક્સવેલ, 19 ઝીરો
(2) રોહિત શર્મા, 18 ઝીરો
(3) દિનેશ કાર્તિક, 18 ઝીરો
(4) સુનીલ નારાયણ, 16 ઝીરો
(5) પીયૂષ ચાવલા, 16 ઝીરો