બે દિવસમાં દુબે અટકવાળા બે બૅટ્સમેન 20મી ઓવરના અંતિમ બૉલમાં વિજય ન અપાવી શક્યા!

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈજાગ્રસ્ત લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન સ્મરણ રવિચન્દ્રનના સ્થાને ઑલરાઉન્ડર હર્ષ દુબેને સ્ક્વૉડમાં સમાવ્યો છે જેના પરથી આઇપીએલની વર્તમાન સીઝનની શનિવાર અને રવિવારની મૅચમાં દુબે અટકવાળા ખેલાડીની નિષ્ફળતાની ચર્ચા થઈ રહી છે.
વાત એવી છે કે શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને શિવમ દુબે અને રવિવારે રાજસ્થાન રૉયલ્સ (RR)ને શુભમ દુબે વિજય નહોતા અપાવી શક્યા.
આ પણ વાંચો: રિયાન પરાગે 6,6,6,6,6,6ના વિક્રમ પછીની ઘોર નિરાશામાં કહ્યું કે…
બેંગલૂરુમાં શનિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ ચેન્નઈને 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 20મી ઓવર પેસ બોલર યશ દયાલને આપવામાં આવી હતી. તેણે 15 રન ડિફેન્ડ કરવાના હતા. બીજી રીતે કહીએ તો પ્લે-ઑફની રેસમાંથી સૌથી પહેલા જ બહાર થઈ ગયેલી ચેન્નઈની ટીમે આ મૅચ જીતવા 15 રન કરવાના હતા. જોકે એ ઓવરની શરૂઆતમાં રવીન્દ્ર જાડેજા સાથે રમી રહેલો એમએસ ધોની 12 રન કરીને એલબીડબ્લ્યૂ થયો ત્યાર બાદ શિવમ દુબે બૅટિંગમાં આવ્યો હતો. તેણે અને જાડેજાએ મળીને બાકીના ત્રણ બૉલમાં 13 રન કરવાના હતા.
શિવમ દુબેએ યશ દયાલના ચોથા બૉલમાં સિક્સર ફટકારી હતી. એ નો-બૉલ હતો એટલે ચેન્નઈને સાત રન મળ્યા હતા. હવે ત્રણ બૉલમાં છ રન કરવાના હતા. ફરી ચોથો બૉલ ફેંકાયો જેમાં શિવમ દુબેએ એક રન લીધો, પાંચમા બૉલમાં જાડેજાએ પણ એક રન બનાવ્યો અને અંતિમ બૉલમાં ચાર રન બાકી હોવાથી શિવમ દુબેએ ચોક્કો મારીને ચેન્નઈને વિજય અપાવવાનો હતો. જોકે તે એક જ રન લઈ શક્યો અને પાંચ ટાઇટલ જીતી ચૂકેલા ચેન્નઈનો બે રનથી પરાજય થયો હતો.
આ પણ વાંચો: ચેન્નઈએ હાથમાં આવેલી બાજી ગુમાવીઃ આયુષના 94, જાડેજાના 77 રન પાણીમાં
રવિવારે રાજસ્થાનને જિતાડવાની શુભમ દુબેને તક હતી જેમાં તે પણ નિષ્ફળ ગયો હતો. કોલકાતાએ ચાર વિકેટે 206 રન કર્યા બાદ રાજસ્થાનની ઇનિંગ્સમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા બાદ અને ખાસ કરીને કૅપ્ટન રિયાન પરાગ આઠ સિક્સર તથા છ ફોરની મદદથી બનેલા 95 રનની લડાયક ઇનિંગ્સ રમ્યો ત્યાર બાદ છેલ્લી ઓવરમાં બાવીસ રન કરીને રાજસ્થાનને જીતવાની છેલ્લી તક મળી હતી. કોલકાતાના સુકાની અજિંક્ય રહાણેએ એ નિર્ણાયક ઓવરની જવાબદારી પેસ બોલર વૈભવ અરોરાને સોંપી હતી જેણે બાવીસ રન ડિફેન્ડ કરવાના હતા. જોફ્રા આર્ચરે પ્રથમ બે બૉલમાં ત્રણ રન કર્યા બાદ શુભમ દુબેએ ત્રીજા બૉલમાં સિક્સર, ચોથા બૉલમાં ફોર અને પાંચમા બૉલમાં સિક્સર ફટકારીને બાજી સુલટાવી નાખી હતી અને વિજય રાજસ્થાનના હાથમાં લગભગ આવી જ ગયો હતો.
આખરી બૉલમાં ત્રણ રન કરવાના હતા અને શુભમ દુબેએ બૉલ લૉન્ગ-ઑફ તરફ મોકલીને દોડવાનું શરૂ કર્યું હતું. તેણે અને જોફ્રા આચરે એક રન હેમખેમ પૂરો કર્યો, પરંતુ રિન્કુ સિંહના થ્રોમાં બોલર વૈભવે બૉલ કલેક્ટ કરીને સ્ટમ્પ્સ ઉખાડી નાખ્યા હતા. એ સાથે, જોફ્રા રનઆઉટ થયો હતો અને દિલધડક અંતિમ ઓવરને અંતે કોલકાતાનો ફક્ત એક રનથી વિજય થયો હતો. શુભમ દુબ અને જોફ્રા વધુ એક રન દોડી ગયા હોત તો એ મૅચ ટાઇ થતાં સુપરઓવરમાં ગઈ હોત અને પરિણામ કદાચ જૂદું હોત.