IPL 2025

રાહુલ દ્રવિડના જુસ્સાને સલામ, કાખઘોડીની મદદથી ગ્રાઉન્ડ સુધી આવ્યો અને કોચિંગ આપ્યું

જયપુર: જેમ કોઈ પક્ષી બુલંદ જુસ્સાને લીધે જ ઊંચે આકાશમાં ઉડવામાં સફળ થાય છે એમ ખેલાડીઓને જો દ્રઢ સંકલ્પવાળા માર્ગદર્શક મળી જાય તો ખેલાડીઓનો બેડો પાર થઈ જાય છે. ગયા વર્ષે રોહિતસેનાને ટી-20નો વર્લ્ડ કપ જિતાડનાર હેડ-કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ (આરઆર)ના પ્લેયર્સ માટે આવું જ એક ઉદાહરણ બની ગયો છે. પગની ગંભીર ઇજા છતાં તે કાખઘોડીની મદદથી આઈપીએલની આ ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપવા આવી ગયો જે તેની સમર્પિતાનું અનેરુ દ્રષ્ટાંત છે.

દ્રવિડને થોડા દિવસ પહેલા બેંગ્લૂરુમાં ક્રિકેટ રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. એમ છતાં તે દ્રઢ સંકલ્પ સાથે કાખઘોડીના સહારે ખેલાડીઓના કેમ્પમાં તૈયારીઓનું અવલોકન કરવા મેદાન પર આવી ગયો હતો.


દ્રવિડ પગમાં ખૂબ દુખાવો હોવા છતાં ઘણીવાર સુધી ખેલાડીઓની વચ્ચે રહ્યો હતો અને તેમની પ્રેક્ટિસ પર બારીકાઈથી નજર રાખી હતી અને તેમના દરેક સવાલના સંતોષકારક જવાબ આપ્યા હતા.

હેડ-કોચ દ્રવિડની આ મક્કમતા જોઈને રાજસ્થાનના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને તેમણે જોશપૂર્વક પ્રેક્ટિસ કરી હતી.

Read This…પંતની બહેનના લગ્ન સમારોહમાં ધોની અને રૈના બન્યા મોંઘેરા મહેમાન…

રાહુલ દ્રવિડ કાખઘોડીથી ચાલીને રાજસ્થાનના ખેલાડીઓના કેમ્પમાં પહોંચ્યો એનો વિડીયો ‘એક્સ’ પર રાજસ્થાનના ફ્રેન્ચાઈઝીના હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો હતો.

ટીમનો ખેલાડી રિયાન પરાગ થોડીવાર સુધી દ્રવિડ પાસે ઊભો હતો અને ઈજા વિશે જાણકારી મેળવી હતી તેમ જ ટીમની તૈયારીઓ વિશે તેને વાકેફ કર્યો હતો. રાહુલ દ્રવિડે યશસ્વી જયસ્વાલને કેટલીક બૅટિંગ ટિપ્સ આપી હતી.

આઈપીએલ 22મી માર્ચ શરૂ થશે અને રાજસ્થાન રોયલ્સની પ્રથમ મૅચ 23મી માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button