IPL 2025ટોપ ન્યૂઝ

આઇપીએલઃ બેંગલૂરુ પહેલી વાર ચૅમ્પિયન…

અમદાવાદમાં આરસીબીએ પંજાબનું `બલ્લે...બલ્લે...' ન થવા દીધુંઃ કોહલી 18મા વર્ષે ટ્રોફી અપાવવામાં સફળ, ઈશ્વરનો આભાર માન્યો

અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને મંગળવારે રાત્રે આઇપીએલ-2025 (IPL-2025)ની ફાઇનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. પંજાબને પણ પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક હતી જે એણે ગુમાવી હતી. બેંગલૂરુએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરી શકી હતી. રજત પાટીદાર પહેલી વાર આરસીબીનો સુકાની બન્યો અને આ ટીમને ટ્રોફી અપાવી.

BCCI

પંજાબને 20મી ઓવરમાં 29 રનની જરૂર હતી, પરંતુ અનુભવી ઑસ્ટ્રેલિયન બોલર જૉશ હૅઝલવૂડે પહેલા બે ડૉટ બૉલ સાથે શશાંક સિંહને લાચાર બનાવી દીધો હતો અને ત્રીજા બૉલથી શશાંકે ફટકાબાજી કરીને ત્રણ સિક્સર, એક ફોરની મદદથી બાવીસ રન કર્યા હતા, પરંતુ ત્યારે પંજાબ માટે મોડું થઈ ગયું હતું. શશાંકના છ સિક્સર અને ત્રણ ફોર સાથેના અણનમ 61 રન ટીમમાં હાઇએસ્ટ હતા જે છેવટે પાણીમાં ગયા હતા. જૉશ ઇંગ્લિસના 39 રન સેક્નડ-હાઇએસ્ટ હતા. સૌથી મોટું 20 કરોડ રૂપિયાનું ઇનામ જીતનાર બેંગલૂરુની ટીમના કૃણાલ અને ભુવનેશ્વરે બે-બે વિકેટ તેમ જ યશ દયાલ, શેફર્ડ અને હૅઝલવૂડે એક-એક વિકેટ લીધી હતી. પ્રિયાંશ આર્ય 24 રન અને પ્રભસિમરન 26 રન બનાવી શક્યો હતો.

પંડ્યા-પરિવારમાં ટ્રોફી આવી ખરી. મુંબઈનો હાર્દિક પંડ્યા ચૂકી ગયો તો તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ બેંગલૂરુના પ્રથમ ચૅમ્પિયનપદમાં નામ લખાવ્યું. બેંગલૂરુની 2009, 2011 અને 2016ની સાલ બાદ આ ચોથી ફાઇનલ હતી જેમાં એણે ટ્રોફી જીતી છે. ટીમનો સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલી 18મા વર્ષે આરસીબીને ટ્રોફી અપાવવામાં સફળ થયો. તેણે મૅચ પછી ઈશ્વરનો તેમ જ સમગ્ર આરસીબી ટીમનો, આરસીબી પરિવારનો આભાર માન્યો હતો.

BCCI

આરસીબીએ બૅટિંગ મળ્યા બાદ જે 190 રન કર્યા હતા એમાં કોહલીના 43 રન હાઇએસ્ટ હતા. તે ટ્રોફી જીત્યા બાદ ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાને ખૂબ ભેટ્યો હતો. આરસીબીના ભૂતપૂર્વ ખેલાડીઓ ક્રિસ ગેઇલ અને એબી ડિવિલિયર્સે પણ આ અવસરે ટીમના સાથીઓ જોડે ઉજવણી કરી હતી. આરસીબીના ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ મેદાન પર આવીને સેલિબે્રશન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button