બેંગલૂરુના નવ વિકેટે 190ઃ પંજાબની ચોક્કા સાથે શરૂઆત...
IPL 2025

બેંગલૂરુના નવ વિકેટે 190ઃ પંજાબની ચોક્કા સાથે શરૂઆત…

અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામેની આઇપીએલ-2025ની ફાઇનલમાં પ્રથમ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે 190 રન કર્યા હતા. પંજાબને 191 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. બન્ને ટીમને પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી મોટી સ્પર્ધાની ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. પંજાબની ટીમના ઓપનર પ્રિયાંશ આર્યએ ભુવનેશ્વર કુમારના પહેલા બૉલમાં ચોક્કો ફટકારીને દમદાર શરૂઆત કરી હતી.

પંજાબના બોલિંગ-પાવર સામે બેંગલૂરુનો એકેય બૅટસમૅન હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. વિરાટ કોહલી (43 રન, 35 બૉલ, ત્રણ ફોર)નું યોગદાન ટીમમાં હાઇએસ્ટ હતું. ચાર બૅટ્સમેને 20-પ્લસ રન કર્યા હતા અને એમાં કૅપ્ટન રજત પાટીદાર (26 રન), લિઆમ લિવિંગસ્ટન (પચીસ રન), વિકેટકીપર જિતેશ શર્મા (24 રન) અને મયંક અગરવાલ (24 રન)નો સમાવેશ હતો. ઓપનર ફિલ સૉલ્ટ 16 રન કરી શક્યો હતો. પાટીદાર, જિતેશ અને લિવિંગસ્ટન બે-બે સિક્સર ફટકારવામાં સફળ થયા હતા, પણ વિરાટના હાથે એકેય સિક્સર નહોતી ગઈ.

અર્શદીપ સિંહને પહેલી ત્રણ ઓવરમાં એક પણ વિકેટ નહોતી મળી, પણ 20મી ઓવર કે જેમાં બેંગલૂરુના બૅટ્સમેન હાર્ડ-હિટિંગમાં મશગૂલ હતા એમાં તેને ત્રણ વિકેટ મળી હતી. રોમારિયો શેફર્ડ (17 રન), કૃણાલ પંડ્યા (ચાર રન) અને ભુવનેશ્વર કુમાર (એક રન) એ ઓવરમાં અર્શદીપના શિકાર થયા હતા.

અર્શદીપ ઉપરાંત કાઇલ જૅમીસને પણ ત્રણ વિકેટ તેમ જ ચહલ, વૈશાક અને ઓમરઝાઈએ એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, પંજાબના સુકાની શ્રેયસ ઐયરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. બન્ને ટીમે ફેરફાર વિનાની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી હતી.

Back to top button