સફાળા જાગેલા રાજ કુન્દ્રાએ ફૂંફાડો માર્યો, આ તારીખે આરઆરના પ્રમોટરને ઉઘાડા પાડશે

નવી દિલ્હીઃ બૉલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમૅન-પતિ અને આઇપીએલના ફ્રૅન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સ (RR)ના ભૂતપૂર્વ સહ-માલિક રાજ કુન્દ્રા (RAJ KUNDRA) અચાનક ન્યૂઝમાં ચમકી ગયા છે. કુન્દ્રાએ એવો દાવો કર્યો છે કે તેઓ બે જ દિવસમાં એક સનસનાટીભરી વાત જાહેરમાં લાવશે.
કુન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ લિન્કડઈન (LINKEDIN) પરના પોતાના સત્તાવાર અકાઉન્ટ પર દાવો કર્યો છે કે તેમની પાસે એવા મહત્ત્વના અને ચાવીરૂપ દસ્તાવેજો છે જેના પરથી તેઓ આરઆરના એક મહત્ત્વના પ્રમોટરની ગંભીર નાણાકીય ગેરરીતિઓ ઉઘાડી પાડશે.
સોમવારે ભાંડો ફોડવાની તૈયારી
કુન્દ્રાએ બીજી એક પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ સોમવાર, બીજી જૂને પત્રકાર પરિષદ રાખશે અને એમાં આ પ્રમોટરનો ભાંડો ફોડશે. જોકે આ પ્રેસ કૉન્ફરન્સ ક્યાં રાખવામાં આવશે એ તેઓ સોમવારે સવારે જ જાહેર કરશે.
એક અહેવાલ મુજબ કુન્દ્રનો એવો આક્ષેપ પણ છે કે વિદેશી અકાઉન્ટ મારફત કાળા નાણા સફેદ કરવાની ગેરરીતિ અમુક ગુપ્ત ટ્રાન્ઝેકશનો મારફત થઈ છે અને એમાં આરઆરના એક મોટા પ્રમોટરની સંડોવણી હોવાનું તેણે કહ્યું છે.
કુન્દ્રાના પ્રાથમિક આક્ષેપો કયા છે
આરઆરના સાથી પ્રમોટરોના અધિકારોને ખોટા શૅરહૉલ્ડિંગ સોદા દ્વારા કચડી નાખવાનો આક્ષેપ પણ કુન્દ્રા કરી રહ્યા છે.
કુન્દ્રાએ લિન્કડઈન પરના અકાઉન્ટમાં જણાવ્યું છે કે ` થોડા જ દિવસમાં સત્ય બહાર આવી જશે. એ સત્ય હું નહીં જણાવું, દસ્તાવેજો જ બધુ કહી દેશે.’
સુપ્રીમ કોર્ટે કુન્દ્રા પર પ્રતિબંધ મૂકેલો
ઉલ્લેખનીય છે કે 2009માં શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીનો 11.7 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. આ ફ્રૅન્ચાઇઝીમાંના આ ઇક્વિટી હિસ્સા પાછળ તેમણે કુલ 15.4 મિલ્યન ડૉલરનો ખર્ચ કર્યો હોવાનું મનાય છે. જોકે 2015માં સુપ્રીમ કોર્ટે ક્રિકેટને લગતી કંઈ પણ પ્રવૃત્તિ કરવાની બાબતમાં કુન્દ્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. 2013ની આઇપીએલ (IPL) દરમ્યાન આઇપીએલમાં જે સટ્ટા-કાંડ બહાર આવ્યો હતો એમાં કુન્દ્રાની ગુનાહિત ભૂમિકા હોવાનું અદાલતને જણાયું હતું.
આરઆરના માલિકોમાં કોણ-કોણ છે
હાલમાં ગૂગલ પરની માહિતી મુજબ રાજસ્થાન રૉયલ્સના માલિકોમાં મનોજ બેદાળે (65 ટકા ઇક્વિટી), રેડબર્ડ (15 ટકા) અને લાચલન મુર્ડોક (13 ટકા)નો સમાવેશ છે.
આ પણ વાંચો સિક્સરથી માંડીને 7,000 રનનો વિક્રમઃ જાણો, રોહિત કોના પછી નંબર-ટૂ થઈ ગયો