IPL 2025

મેઘરાજાએ ઈડનમાં પૂરી પ્રૅક્ટિસ ન કરવા દીધી, શનિવારે વરસાદની આગાહી…

કોલકાતાઃ 18મી આઇપીએલમાં આવતી કાલે (શનિવારે) પ્રથમ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા અને બેન્ગલૂરુ વચ્ચે રમાવાની છે અને એ માટે શુક્રવારે બન્ને ટીમના ખેલાડીઓએ સાંજની પ્રૅક્ટિસ શરૂ કરી હતી, પરંતુ ઝરઝર વરસાદ શરૂ થયો અને પછી પડતો જ રહ્યો એટલે છેવટે તેમણે પ્રૅક્ટિસનું સેશન સમેટી લેવું પડ્યું હતું.

PTI

શનિવારની કોલકાતા-બેન્ગલૂરુ વચ્ચેની મૅચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે એ જોતાં મેઘરાજા ફરી રંગમાં ભંગ પાડી શકે. સદનસીબે ભારતમાં ઈડન ગાર્ડન્સ સહિત કેટલાક સ્ટેડિયમો એવા છે જ્યાં મેદાનને કવરથી પૂરું ઢાંકવામાં આવે છે. પરિણામે, પિચને કે આઉટફીલ્ડને નહીં જેવું નુકસાન થતું હોય છે.

આ પણ વાંચો : શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ

શનિવારે કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. શનિવારે કોલકાતા-બેન્ગલૂરુની મૅચ પહેલાં છ વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાશે, સાત વાગ્યે ટૉસ થશે અને 7.30 વાગ્યે મૅચનો પ્રથમ બૉલ ફેંકવામાં આવશે. ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન આરસીબીનો બૅટર જૅકબ બેથેલ તથા ફિલ સૉલ્ટ તેમ જ વિરાટ કોહલી સહિતના બૅટર્સ અઢળક રન ફટકારવાના ઇરાદાથી પ્રૅક્ટિસ કરવા આવ્યા હતા અને તેમણે પોતાના જ બોલરની બોલિંગમાં જોરદાર ફટકાબાજી કરી હતી. બીજી તરફ, કેકેઆરના ખેલાડીઓએ ફીલ્ડિંગ, બૅટિંગ, બોલિંગ અને કૅચિંગની પ્રૅક્ટિસ પહેલાં થોડું રનિંગ કર્યું હતું અને બીજી હળવી કવાયત પણ કરી હતી.


શું તમે જાણો છો?

(1) 2008 પછી પહેલી જ વાર આઇપીએલમાં પ્રથમ મૅચ કેકેઆર-આરસીબીનીઃ 2008ની સૌપ્રથમ આઇપીએલમાં પહેલી મૅચ કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ હતી જેમાં બૅ્રન્ડન મૅક્લમે 73 બૉલમાં 13 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 158 રન બનાવ્યા હતા અને આઇપીએલને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. કોલકાતાએ એ મૅચ 140 રનથી જીતી લીધી હતી. આવતી કાલે (શનિવારે) આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજી જ વાર સ્પર્ધાનો આરંભ આ બે ટીમના મુકાબલા સાથે થશે. આ વખતે કોલકાતાના વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણની કુલ આઠ ઓવર મૅચ માટે નિર્ણાયક સાબિત થઈ શકે.

(2) 2025ની આઇપીએલ માટેની હરાજીમાં અજિંક્ય રહાણેને કોલકાતાએ તેની 1.50 કરોડ રૂપિયાની મૂળ કિંમતે મેળવી લીધો હતો અને નવાઈ એ વાતની છે કે તેને કૅપ્ટન્સી સોંપી દીધી છે. આટલી ઓછી રકમમાં કૅપ્ટન્સીની જવાબદારી સંભાળનાર તે પહેલો જ સુકાની બનશે.

(3) અજિંક્ય રહાણે બે સીઝન પછી પાછો કેકેઆરમાં આવી ગયો છે. સુકાન માટે રહાણે અને વેન્કટેશ ઐયર વચ્ચે હરીફાઈ હતી જેમાં રહાણે મેદાન મારી ગયો અને વેન્કટેશને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.

(4) આ ટીમોને આ વખતે નવો સુકાની મળ્યા છેઃ પંજાબ (શ્રેયસ ઐયર), બેન્ગલૂરુ (રજત પાટીદાર), દિલ્હી (અક્ષર પટેલ), કોલકાતા (અજિંક્ય રહાણે), લખનઊ (રિષભ પંત).

(5) કુલ દસમાંથી નવ કૅપ્ટન ભારતના છે. એકમાત્ર પૅટ કમિન્સ વિદેશી સુકાની છે.

(6) રિષભ પંત કાર અકસ્માતને લીધે ઘણી આઇપીએલ મૅચો ગુમાવ્યા બાદ હવે આ ટૂર્નામેન્ટમાં પાછો રમવા આવ્યો છે. તેને લખનઊએ વિક્રમજનક 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

(7) `રો-કો’ની એટલે કે રોહિત-કોહલીની હજીયે બોલબાલા છે. આ બન્ને પીઢ ખેલાડી હવે કૅપ્ટન્સીના બોજ વગર રમી રહ્યા છે. રોહિત મુંબઈની ટીમમાં હાર્દિકની કૅપ્ટન્સીમાં રમશે અને કોહલી બેન્ગલૂરુની ટીમમાં રજત પાટીદારના સુકાનમાં રમતો જોવા મળશે.

(8) ભારતના ટોચના અમ્પાયર અનિલ ચૌધરી હવે કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button