IPL 2025

અભિષેક શર્મા સામે પંજાબ પરાજિત, આતશબાજીની હરીફાઈમાં હૈદરાબાદ જીત્યું

સનરાઇઝર્સના ઓપનરના 141 રન, 171ની ભાગીદારી સહિત વિક્રમો રચ્યા

હૈદરાબાદઃ પંજાબ (245/6)ને અહીં હૈદરાબાદે (18.3 ઓવરમાં 247/2) હાઇ-સ્કોરિંગ મુકાબલામાં આઠ વિકેટથી હરાવી દીધું હતું. અભિષેક શર્મા (141 રન, પંચાવન બૉલ, 10 સિક્સર, 14 ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે આઇપીએલ (IPL)માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવનાર ભારતીયોમાં કેએલ રાહુલનો અણનમ 132 રનનો રેકૉર્ડ તોડ્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં તમામ બૅટ્સમેનોમાં ગેઇલના અણનમ 175 રન હાઇએસ્ટ અને મૅક્લમના અણનમ 158 રન બીજા સ્થાને છે. અભિષેકના 141 રન આઇપીએલના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં ત્રીજા નંબરે છે.

અભિષેકે (ABHISHEK SHARMA) હૈદરાબાદના બૅટ્સમેનોમાં ભૂતપૂર્વ ખેલાડી ડેવિડ વૉર્નરનો 126 રનનો રેકૉર્ડ પણ તોડ્યો હતો.

અભિષેકની ઓપનર ટ્રૅવિસ હેડ (66 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) સાથે 171 રનની રેકૉર્ડ-બ્રેક ભાગીદારી થઈ હતી. અભિષેકે 19 બૉલમાં હાફ સેન્ચુરી અને 40 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. પંજાબના આઠ બોલર અભિષેકને અંકુશમાં નહોતા રાખી શક્યા.

અભિષેકની આતશબાજીથી ટીમની માલિક કાવ્યા મારન બેહદ ખુશ થઈ હતી.

એ પહેલાં, પંજાબે અહીં હૈદરાબાદ સામે અહીં હૈદરાબાદના જ મેદાન પર જોરદાર ફટકાબાજી કરી હતી. પંજાબે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 245 રન કર્યા હતા.

અગાઉની મૅચના સુપરસ્ટાર ઓપનર પ્રિયાંશ આર્યએ આ મૅચમાં (36 રન, 13 બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને પ્રભસિમરન સિંહ (42 રન, 23 બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચેની 66 રનની ઓપનિંગ ભાગીદારી પછી કૅપ્ટન શ્રેયસ ઐયરે (82 રન, 36 બૉલ, છ સિક્સર, છ ફોર) બાજી સંભાળી લીધી હતી અને ટીમના સ્કોરને 200-પ્લસ પહોંચાડ્યા પછી જ વિકેટ ગુમાવી હતી.

હૈદરાબાદના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે 42 રનમાં ચાર વિકેટ લીધી હતી તેમ જ શ્રીલંકન ફાસ્ટ બોલર ઇશાન મલિન્ગાએ બે વિકેટ લીધી હતી, પરંતુ પંજાબના બૅટ્સમેન અને ખાસ કરીને ઐયર સામે કોઈનું કંઈ ચાલ્યું નહોતું અને તે વનડાઉન આવ્યા બાદ 18મી ઓવર સુધી લડતો રહ્યો હતો.

ઐયરે પ્રભસિમરન સાથે પચીસ રનની, નેહલ વઢેરા (27 રન, બાવીસ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 73 રનની અને મૅક્સવેલ (ત્રણ રન) સાથે 37 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઇનિસ (34 અણનમ, 11 બૉલ, ચાર સિક્સર, એક ફોર) પણ ધમાકેદાર રમ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button