પ્રીતિ ઝિન્ટાએ વૈભવ સૂર્યવંશીને ‘જાદુ કી જપ્પી’ આપી?, જાણો શું કહ્યું

અભિનેત્રી અને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોતાની અને 14 વર્ષીય રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીની મોર્ફ કરેલી તસવીરોને કારણે ચર્ચામાં છે. તેણે આ તસવીરો અને તેનાથી સંબંધિત સમાચારોને ખોટા ગણાવ્યા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે લોકો તેના પર કેવી રીતે વિશ્વાસ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પ્રીતિ ઝિન્ટા અને વૈભવ સૂર્યવંશી જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મળે છે. વીડિયોમાં બંને વાત કરતા જોવા મળ્યા હતા, પરંતુ કેટલાક ફોટામાં પ્રીતિ વૈભવને ભેટતી જોવા મળી હતી, જે વાયરલ થયા બાદમાં મોર્ફ્ડ હોવાનું બહાર આવ્યું હતું.
આના પર પ્રતિક્રિયા આપતા પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ રિપોર્ટ શેર કર્યો અને લખ્યું, ‘આ એક મોર્ફ કરેલી તસવીર અને નકલી સમાચાર છે. આશ્ચર્યજનક વાત છે કે આજકાલ ન્યૂઝ ચેનલો પણ આવા ફોટા બતાવીને સમાચાર બનાવી રહી છે. બીજી એક પોસ્ટમાં તેણે આ જ વીડિયોના પ્રાદેશિક અહેવાલની લિંક શેર કરી અને તેને ‘મોર્ફ કરેલી તસવીર સાથે નકલી સમાચાર’ ગણાવ્યા હતા.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી 10મા ધોરણમાં નાપાસ થયો એ અફવા કેટલી સાચી છે?
આ વીડિયો રાજસ્થાન રોયલ્સના એક્સ-અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. એવું બતાવવામાં આવ્યું હતું કે પ્રીતિ ઝિન્ટા પહેલા યશસ્વી જયસ્વાલ સાથે વાત કરે છે, પછી શશાંક સિંહને કહે છે કે તે વૈભવને મળવા માંગે છે. આ પછી તે વૈભવ પાસે જાય છે અને તેની સાથે થોડો સમય વાત કરે છે અને અંતે તેની સાથે હાથ મિલાવે છે. વીડિયોમાં ક્યાંય ગળે લગાવવાના દ્રશ્ય નથી. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘કોઈ મિલ ગયા’નું એક ગીત વાગી રહ્યું છે. રવિવારે જયપુરમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યા બાદ આ વીડિયો વાઈરલ થયો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં સાત વર્ષના ગાળા પછી રૂપેરી પડદે પાછી ફરી રહી છે. તે રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “લાહોર 1947″માં જોવા મળશે, જેનું નિર્માણ આમિર ખાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ભૈયાજી’ સુપરહિટમાં જોવા મળી હતી.