જયપુરના થ્રિલરમાં પંજાબને મિડલ-ઑર્ડરના બૅટ્સમેનો અને બોલર્સે અપાવ્યો વિજય…
પંજાબના 219/5, રાજસ્થાનના 209/7ઃ શ્રેયસની ટીમ બીજા નંબર પર આવીઃ સ્પિનર બ્રાર મૅન ઑફ ધ મૅચ

જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં આઇપીએલના નિર્ણાયક તબક્કામાં રમાયેલી રોમાંચક લીગ મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ને 10 રનથી હરાવીને પ્લે ઑફની દિશામાં વધુ એક ડગલું ભર્યું હતું. પંજાબની ટીમ 2014ની સાલ પછી પ્લે ઑફથી વંચિત રહી છે, પણ આ વખતે એને બહુ સારો મોકો છે. પંજાબની ટીમ આ જીતને પગલે પૉઇન્ટ્સ-ટેબલમાં 17 પૉઇન્ટ સાથે બીજા નંબર પર આવી ગઈ હતી. શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટે 219 રન કર્યા હતા જેના જવાબમાં સંજુ સૅમસનના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ 14 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશી અને સાથી ઓપનર યશસ્વી જયસ્વાલની ધૂમધડાકાભરી આતશબાજી બાદ 20 ઓવરમાં સાત વિકેટે 209 રન બનાવી શકી અને પરાજિત થઈ હતી.
પંજાબને ખાસ કરીને ચાર બૅટ્સમેને 200-પ્લસનો સ્કોર અપાવ્યો હતો અને ત્યાર પછી પંજાબને જિતાડવાનો પડકાર એના બોલર્સે ઉપાડ્યો હતો જેમાં ખાસ કરીને ચાર બોલરની મુખ્ય ભૂમિકા હતી. 29 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર અને મૅન ઑફ ધ મૅચ હરપ્રીત બ્રારે (HARPREET BRAR) ફક્ત બાવીસ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બ્રારે બન્ને ઓપનર યશસ્વી (50 રન, પચીસ બૉલ, એક સિક્સર, નવ ફોર) અને વૈભવ સૂર્યવંશી (40 રન, 15 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ને આઉટ કરીને બાજી પંજાબના હાથમાં અપાવવાની શરૂઆત કરી હતી. યશસ્વી-વૈભવ વચ્ચે માત્ર 4.5 ઓવર (29 બૉલમાં) 76 રનની ભાગીદારી થઈ હતી. જોકે બ્રારે એ ભાગીદારી તોડ્યા બાદ રાજસ્થાનની ટીમ વતી બીજી કોઈ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ શકી.
વિકેટકીપર ધ્રુવ જુરેલે (53 રન, 31 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) પંજાબના બોલર્સને પડકાર્યા હતા, પણ છેલ્લી ઓવર કે જેમાં રાજસ્થાને બાવીસ રન કરવાના હતા એમાં જુરેલે વિકેટ ગુમાવી દેતાં પ્લે ઑફની રેસની બહાર થઈ ચૂકેલા રાજસ્થાનના નામે ઑર એક (કુલ 10મો) પરાજય લખાયો હતો. જુરેલને સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર માર્કો યેનસેને આઉટ કર્યો હતો.
રાજસ્થાને આ મૅચમાં પાવરપ્લેની શરૂઆતની છ ઓવરમાં 89 રન કર્યા હતા જે આ સીઝનમાં પાવરપ્લેમાં તેમનો સૌથી સારો પર્ફોર્મન્સ હતો. જોકે હવે બહુ મોડું થઈ ગયું છે.
પંજાબના સફળ બોલર્સમાં બ્રાર (ત્રણ વિકેટ) તથા યેનસેન (બે વિકેટ) તેમ જ અફઘાનિસ્તાનના ઓમરઝાઈ (બે વિકેટ)નો સમાવેશ હતો. યુઝવેન્દ્ર ચહલને વિકેટ નહોતી મળી, પણ તેની ચાર ઓવરમાં ફક્ત 30 રન બન્યા હતા. માત્ર અર્શદીપ સિંહ (4-0-60-0) અને ઝેવિયર બાર્ટલેટ (1-0-12-0) સૌથી મોંઘા સાબિત થયા હતા.
એ પહેલાં, પંજાબે બૅટિંગ લીધા પછી ખરાબ શરૂઆત કરી હતી, પણ મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોએ ફટકાબાજી કરીને 20 ઓવરના અંતે ટીમને પાંચ વિકેટે 219 રનનો સ્કોર અપાવ્યો હતો. નેહલ વઢેરા (70 રન, 37 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર), શશાંક સિંહ (59 અણનમ, 30 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), કૅપ્ટન શ્રેયસ ઐયર (30 રન, પચીસ બૉલ, પાંચ ફોર) અને અઝમતુલ્લા ઓમરઝાઈ (21 અણનમ, નવ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની આતશબાજીએ જયપુરનું સ્ટેડિયમ ગજાવ્યું હતું.
રાજસ્થાને પણ વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. પહેલી બે ઓવરમાં વિના વિકેટે 39 રન બન્યા હતા. યશસ્વી જયસ્વાલ અને 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ છગ્ગા-ચોક્કાની રમઝટ બોલાવી હતી.
પંજાબે શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 34 રનમાં એની ત્રણ વિકેટ પડી ગઈ હતી અને એ ધબડકા માટે રાજસ્થાનનો પેસ બોલર તુષાર દેશપાંડે કારણભૂત હતો. તેણે બન્ને ઓપનરને વહેલા પૅવિલિયન ભેગા કરી દીધા હતા. પંજાબનો એકમાત્ર સેન્ચુરિયન પ્રિયાંશ આર્ય ફક્ત નવ રન અને સાથી ઓપનર પ્રભસિમરન સિંહ 21 રન કરી શક્યો હતો.
જોકે શ્રેયસ અને વઢેરાએ ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ટીમની આબરૂ સાચવવાની સાથે બાજી સંભાળી લીધી હતી.
શ્રેયસને રિયાન પરાગે યશસ્વી જયસ્વાલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ વઢેરાએ શશાંક સાથે પાંચમી વિકેટ માટે 58 રનની પાર્ટનરશિપ કરીને ટીમનો પાયો વધુ મજબૂત કર્યો હતો.
છેલ્લે શશાંક અને ઓમરઝાઇ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 60 રનની અતૂટ ભાગીદારી થઈ હતી અને રાજસ્થાનને 220 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.
રાજસ્થાનના ફઝલહક ફારુકીને અને હસરંગાને વિકેટ નહોતી મળી, પરંતુ દેશપાંડેની બે વિકેટ ઉપરાંત ક્વેના મફાકા, આકાશ મઢવાલ અને રિયાન પરાગ એક-એક વિકેટ લેવામાં સફળ થયા હતા.