રાજસ્થાન સામે પંજાબે બૅટિંગ લીધી, પણ શરૂઆતમાં જ ધબડકો થયો...

રાજસ્થાન સામે પંજાબે બૅટિંગ લીધી, પણ શરૂઆતમાં જ ધબડકો થયો…

જયપુરઃ પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે અહીં આજે આઇપીએલ (IPL-2025)ના નિર્ણાયક રાઉન્ડના બીજા દિવસે રાજસ્થાન રૉયલ્સ (RR) સામેના મુકાબલા પહેલાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. જોકે પંજાબ (PBKS)નો આ વખતની સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન પ્રિયાંશ આર્ય (નવ રન) સસ્તામાં આઉટ થઈ ગયો હતો. પેસ બોલર તુષાર દેશપાંડેએ તેને મિડ-ઑફ પર શિમરૉન હેટમાયરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

જોકે વાત અહીં નહોતી અટકી. પંજાબે 19મા રને પ્રિયાંશની વિકેટ ગુમાવ્યા બાદ 34મા રને વધુ બે વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમીને ભારત આવેલો ઑસ્ટ્રેલિયાનો મિચેલ ઑવેન (0) મફાકાના બૉલમાં વિકેટકીપર સૅમસનના હાથમાં કૅચઆઉટ થયો હતો. પછીની ઓવરમાં પ્રભસિમરન સિંહ (21 રન)ને તુષાર દેશપાંડેએ સૅમસનના હાથમાં કૅચઆઉટ કરીને પંજાબની ટીમનો જોરદાર ધબડકો બોલાવ્યો હતો.

ભારત-પાકિસ્તાન જંગને લીધે નવ દિવસ સુધી આ ટૂર્નામેન્ટ અટકી ગયા બાદ શનિવારે ફરી શરૂ થઈ હતી, પરંતુ બેંગલૂરુ-કોલકાતા મૅચમાં વરસાદને કારણે એક પણ બૉલ ફેંકાયા વગર મૅચને અનિર્ણીત જાહેર કરવામાં આવી હતી. બેંગલૂરુની ટીમ પ્લે-ઑફની વધુ નજીક પહોંચી હતી, જ્યારે કોલકાતાની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી.

આજની મૅચની એક હરીફ ટીમ (પંજાબ)ને પ્લે-ઑફનો મોકો છે, જ્યારે બીજી ટીમ (રાજસ્થાન) અગાઉ જ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. કૅપ્ટન સંજુ સૅમસન રાજસ્થાનની ટીમમાં પાછો આવી ગયો છે. તેના પુનઃપ્રવેશ સાથે નીતીશ રાણાને ઇલેવનની બહાર રાખવામાં આવ્યો છે. પેસ બોલર જોફ્રા આર્ચર ઉપલબ્ધ ન હોવાથી રાજસ્થાનની ટીમમાં ક્વેના મફાકાને ટીમમાં સામેલ કરાયો છે.

Back to top button