પંજાબની ટીમે પોન્ટિંગ પાસે પૂજા કરાવી એટલે પાકિસ્તાનના પેટમાં દુખ્યું…

અમૃતસર: બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલની વિવિધ ટીમો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહી છે અને એમાં પંજાબ કિંગ્સની ટીમે કંઈક અલગ રીતે પૂર્વ તૈયારી કરી જેમાં તેમણે પોતાના હેડ-કોચ રિકી પોન્ટિંગ પાસે પૂજા કરાવી હતી.
જોકે સોશિયલ મીડિયામાં આ ધાર્મિક વિધિનો વિડિયો, એના ફોટોગ્રાફ્સ અને વિગતો જાણીને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ વિફર્યા છે અને બે વર્ષ પહેલાંની વાત યાદ કરાવીને આ પૂજા પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે.
ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની બે ટ્રોફી અપાવનાર ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પંજાબ કિંગ્સના ખેલાડીઓ, કોચિંગ તેમ જ સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ સાથે પૂજામાં ભાગ લીધો હતો. પંજાબના ખેલાડીઓએ આઇપીએલમાં પોતે ખૂબ સારું પર્ફોર્મ કરે તેમ જ ટીમને પ્રથમ ટ્રોફી અપાવી શકે એ માટે ઈશ્વરના આશીર્વાદ લેવા માટે આ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
2024માં કોલકાતાને ટ્રોફી અપાવનાર કેપ્ટન શ્રેયસ ઐયર આ વખતે પંજાબની ટીમનું નેતૃત્વ સંભાળશે. પાકિસ્તાનના કેટલાક ક્રિકેટપ્રેમીઓએ સોશિયલ મીડિયા પર રિકી પોન્ટિંગને પંજાબની ટીમ સાથે પૂજા કરી રહેલો જોયો એટલે ભારતને વખોડવાનું શરૂ કરી દીધું. તેમણે જણાવ્યું હતું કે ‘હવે ભારતમાં શા માટે ક્રિકેટને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે? 2023ના વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન હૈદરાબાદમાં અમારા પાકિસ્તાનની શ્રીલંકા સામે જે મૅચ હતી એમાં અમારા મોહમ્મદ રિઝવાને મેદાન પર જે કંઈ કર્યું હતું એની ખૂબ ટીકા કરવામાં આવી હતી તો પછી હવે પૉન્ટિંગને શા માટે પૂજામાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવી? ‘
આ પણ વાંચો…IPL 2025: KKR vs RCB ઓપનિંગ મેચ રદ થઈ શકે છે! જાણો શું છે કારણ…
જોકે પહેલી વાત તો એ છે કે પોન્ટિંગ પાકિસ્તાનનો નથી. બીજું, રિઝવાને 2023માં જે કંઈ કર્યું હતું એ મેદાન પર કર્યું હતું જે ક્રિકેટની ભાવનાની વિરુદ્ધમાં કહેવાય. પોન્ટિંગે હિન્દુ વિધિ મેદાન પર નહીં, મેદાનની બહાર કરી છે.
બે વર્ષ પહેલાં હૈદરાબાદમાં રિઝવાન શ્રીલંકા સામે સેન્ચુરી પૂરી કરી ત્યાર બાદ મેદાન પર નમાજ પઢવા લાગ્યો હતો.
રિઝવાને એ જે કંઈ કર્યું એ સામે દિલ્હીના વકીલ વિનીત જિંદાલે વાંધો ઉઠાવ્યો હતો અને આઇસીસીના એ સમયના પ્રમુખ ગ્રેગ બાર્કલે સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જિંદાલે ફરિયાદમાં લખ્યું હતું કે ‘રિઝવાન આ રીતે ક્રિકેટની પિચ પર નમાઝ પઢે એ ઠીક ન કહેવાય. તે ક્રિકેટના મેદાન પર આવું ધાર્મિક કાર્ય ન કરી શકે. ક્રિકેટની રમત પાછળની ભાવનાની વિરુદ્ધમાં કહેવાય.’