IPL 2025

સિક્સરથી માંડીને 7,000 રનનો વિક્રમઃ જાણો, રોહિત કોના પછી નંબર-ટૂ થઈ ગયો

મુલ્લાંપુરઃ શુક્રવારે આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડના એલિમિનેટરમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ઓપનર રોહિત શર્મા (ROHIT SHARMA)એ એક ઝાટકે બે મોટા વિક્રમમાં પોતાનું નામ બીજા નંબર તરીકે લખાવી દીધું હતું. 18 વર્ષ જૂની આઇપીએલ (IPL)માં સૌથી વધુ 357 સિક્સર વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલના નામે છે અને રોહિત શર્માના ખાતે 302 છગ્ગા છે. મુદ્દાની વાત એ છે કે આ વિશ્વ વિખ્યાત ભારતીય ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એકમાત્ર ગેઇલ 300 સિક્સર ફટકારનાર ખેલાડી હતો, પણ હવે રોહિત પણ તેની સાથે એ જાદુઈ યાદીમાં બીજા નંબર તરીકે જોડાઈ ગયો છે.

રોહિતે શુક્રવારે ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની મૅચમાં 50 બૉલમાં ચાર સિક્સર (SIXERS) અને નવ ફોરની મદદથી 81 રન કર્યા હતા. એ ઇનિંગ્સ પહેલાં રોહિતના ખાતે 298 સિક્સર હતી અને તે વિરાટ કોહલી (291 સિક્સર)થી સાત ડગલાં આગળ હતો. જોકે રોહિતે ગુજરાતના બોલર્સની ખબર લઈ નાખી અને ચાર તોતિંગ છગ્ગા ફટકારીને 300-પ્લસ સિક્સરવાળા લિસ્ટમાં ગેઇલની હરોળમાં થઈ ગયો હતો.

આ પણ વાંચો: Nita Ambani એ રોહિત શર્મા માટે કહી એવી વાત કે…

નવાઈની વાત એ છે કે ગેઇલે 141 ઇનિંગ્સમાં 357 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રોહિતની 302 સિક્સર 266 દાવમાં છે.
ગેઇલ આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વતી પણ રમ્યો હતો. રોહિતે 302માંથી 251 છગ્ગા મુંબઈ ઇન્ડિન્સ વતી અને બાકીના 51 છગ્ગા અન્ય ટીમ (ડેક્કન ચાર્જર્સ) વતી ફટકાર્યા છે.

આરસીબી વતી રમનાર કોહલીના 291 છગ્ગા 258 ઇનિંગ્સમાં છે. આઇપીએમાં એક જ ટીમ વતી રમીને સૌથી વધુ સિક્સર ફટકારનારાઓમાં કોહલી મોખરે છે.

આ પણ વાંચો: રોહિત શર્મા નાના ભાઈને કેમ વઢ્યો?

આઇપીએલમાં કુલ 7,000 રન કરનારાઓમાં અત્યાર સુધી ફક્ત વિરાટ કોહલી હતો, પણ હવે રોહિત બીજા નંબર તરીકે તેની બરાબરીમાં થઈ ગયો છે. રોહિતના નામે હવે કુલ 7,038 રન છે. કોહલી 8,618 રન સાથે મોખરે છે. શિખર ધવન હવે નિવૃત્ત થઈ ગયો છે અને આ યાદીમાં તે 6,769 રન સાથે ત્રીજા નંબરે છે. બીજા બે નિવૃત્ત ખેલાડી ડેવિડ વૉર્નર (6,565) ચોથા ક્રમે અને સુરેશ રૈના (5,528) પાંચમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button