આઈપીએલની 50મી મૅચમાં નંબર-વન મુંબઈનો 100 અને 200ના આંકડાનો જાદુ, જાણો કેવી રીતે…
પહેલી વાર ચાર બૅટ્સમેનના 40-પ્લસ: રોહિત અને સૂર્યકુમારના પણ વિક્રમ

જયપુર: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ગુરુવારે ‘ વિજયી સિક્સર’ મારીને રાજસ્થાન રોયલ્સ (RR)ને સ્પર્ધાની બહાર કરી દીધી એ સાથે એમઆઈએ આ મૅચ દ્વારા અનેક વિક્રમો (RECORDS) પણ રચ્યા હતા. ચેન્નઈ અને રાજસ્થાનની ટીમ હવે પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે. મુંબઈ હવે (14 પોઇન્ટ, +1.274નો રનરેટ) નંબર વન અને બેંગલૂરુ (14 પોઇન્ટ, +0.521નો રનરેટ) નંબર ટૂ છે.

100 રનથી શાનદાર વિજય:
આઈપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝનની આ 50મી મૅચ હતી જેમાં મુંબઈએ 100 રનથી જીત મેળવી હતી. બેટિંગ મળ્યા પછી મુંબઈએ 20 ઓવરમાં બે વિકેટે 217 રન કર્યા ત્યાર બાદ રાજસ્થાનની ટીમ 16.1 ઓવરમાં 117 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. મુંબઈએ રાજસ્થાનની પહેલી પાંચ વિકેટ ફક્ત 29 રનમાં મેળવી હતી. ટ્રેન્ટ બૉલ્ટ અને કર્ણ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ, જસપ્રીત બુમરાહે બે વિકેટ તેમ જ હાર્દિક અને દીપક ચાહરે એક-એક વિકેટ લીધી હતી. મુંબઈની ઇનિંગ્સમાં 38 બૉલમાં ત્રણ સિક્સર અને સાત ફોરની મદદથી 61 રન કરનાર વિકેટકીપર-બૅટ્સમૅન રાયન રિકલ્ટનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ત્રીજી વાર 100 રનના માર્જિનથી જીત:
આઈપીએલના ઇતિહાસમાં મુંબઈએ ત્રીજી વખત 100 કે વધુ રનના માર્જિનથી વિજય મેળવ્યો છે. માત્ર બેંગ્લૂરુની ટીમ એનાથી આગળ છે. બેંગલૂરુએ ચાર વખત આ સિદ્ધિ મેળવી છે.
મુંબઈ ચાર વર્ષમાં પહેલી વાર નંબર-વન:
મુંબઈની ટીમ આઇપીએલના પોઇન્ટ્સ ટેબલમાં નંબર-વન થઈ હોય એવું ચાર વર્ષે બન્યું છે. આ પહેલાં મુંબઈની ટીમ 2021ની 17મી એપ્રિલે નંબર-વન થઈ હતી. ગુરુવારે રાજસ્થાનની ટીમ એના બીજા નંબરના સૌથી ઊંચા માર્જિન (100 રન)થી હારી હતી. રાજસ્થાનની સૌથી ખરાબ હાર 2023માં બેંગલૂરુ સામે (112 રનથી) થઈ હતી.
મુંબઈએ 17મી વખત 200-પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો
આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે સતત 17મી વખત 200 પ્લસનો પોતાનો સ્કોર ડિફેન્ડ કર્યો છે. ગુરુવારે મુંબઈએ 217 રન કર્યા પછી રાજસ્થાનને 117 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું.
મુંબઈનો 13 વર્ષે જયપુરમાં જયજયકાર:
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો જયપુરમાં વિજય થયો હોય એવું 13 વર્ષે બન્યું છે. છેલ્લે મુંબઈની ટીમ 2012માં જયપુરમાં રાજસ્થાન સામે જીતી ત્યાર બાદ (2013-2024 દરમ્યાન) લાગલગાટ ચાર મૅચમાં મુંબઈનો પરાજય થયો હતો.
ચાર બૅટ્સમેનના 40-પ્લસ રન, પહેલી વાર બન્યું:
આઈપીએલ (IPL)ની કોઈ એક મૅચમાં એક ટીમની ઇનિંગ્સમાં ચાર બૅટ્સમેને 40-પ્લસ રન કર્યા હોય એવું આ વખતની સીઝનમાં પ્રથમ વખત બન્યું છે. કોઈ એક ટીમની ઇનિંગ્સમાં ટૉપ-ઑર્ડરના ચાર બૅટ્સમેને 40-પ્લસ રન કર્યા હોય એવું બીજી જ વાર બન્યું છે. ગુરુવારે ઓપનર્સ રાયન રિકલ્ટન (61 રન, 38 બૉલ, 3 સિક્સર, 7 ફોર) અને રોહિત શર્મા (53 રન, 36 બૉલ, 9 ફોર) વચ્ચે 116 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછીના બીજા બે હાફ સેન્ચુરિયનો સૂર્યકુમાર યાદવ (48 અણનમ, 23 બૉલ, 3 સિક્સર, 4 ફોર) અને હાર્દિક પંડ્યા (48 અણનમ, 23 બૉલ,1 સિક્સર, 6 ફોર) વચ્ચે 94 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી. અગાઉ આવું 2011માં રાજસ્થાન સામે ચેન્નઈની ઇનિંગ્સમાં બન્યું. ત્યારે ચેન્નઈના માઈક હસી (46 રન), મુરલી વિજય (53 રન), સુરેશ રૈના (43 રન) અને એમએસ ધોની (41 અણનમ)ના 40-પ્લસ રન હતા.
સૂર્યકુમારનો અનોખો વિક્રમ:
આ વખતની સીઝનમાં સૂર્યકુમારે સતત 11 વખત 25-પ્લસ રન કર્યા છે. તેણે રૉબિન ઉથપ્પા (2014ની સીઝનમાં સતત દસ વાર 25-પ્લસ રન)નો વિક્રમ તોડી નાખ્યો છે.
રોહિત શર્મા થયો કોહલીની બરાબરીમાં:
ટી-20 ફૉર્મેટમાં એક જ ટીમ વતી 6,000-પ્લસ રન કરનાર રોહિત શર્મા હવે વિરાટ કોહલી પછીનો બીજો ખેલાડી બન્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ વતી રોહિતએ કુલ 6,024 રન કર્યા છે. બેંગલૂરુ (આરસીબી)ની ટીમ વતી કોહલીએ 8,871 રન બનાવ્યા છે. આ બંને દિગ્ગજ સિવાય બીજા કોઈ પણ ખેલાડીના નામે ટી-20માં એક જ ટીમ વતી 4,000 રન પણ નથી.
આપણ વાંચો: IPL 2025: બે ટીમ બહાર થયા બાદ Playoff ની રેસ રસપ્રદ બની, જાણો દરેક ટીમ માટે સમીકરણ