મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કે આઇપીએલને મળશે નવું ચૅમ્પિયન?
આખા ક્રિકેટજગતની નજર અમદાવાદ પરઃ રવિવારે મુંબઈ-પંજાબનો જંગઃ ફાઇનલમાં બેંગલૂરુ રાહ જોઈને જ બેઠું છે

અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અમદાવાદમાં રવિવાર, પહેલી જૂને (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલ-2025માં સેમિ ફાઇનલ સમાન નૉકઆઉટ મુકાબલો (ક્વૉલિફાયર-ટૂ) છે જેમાં જીતનારી ટીમ મંગળવાર, ત્રીજી જૂને અમદાવાદમાં જ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે ફાઇનલમાં રમશે. ટૂંકમાં, આખી ક્રિકેટ દુનિયાની નજર ત્રણ દિવસ સુધી અમદાવાદ પર મંડાયેલી રહેશે.
આ ત્રણ ટીમ વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે મુંબઈ પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને રવિવારે જો પંજાબ સામેની ક્વૉલિફાયર-ટૂ જીતશે તો ફાઇનલમાં પહોંચશે અને ફાઇનલમાં બેંગલૂરુને હરાવશે તો મુંબઈના નામે વિક્રમજનક છઠ્ઠું આઇપીએલ-ટાઇટલ લખાઈ જશે. મુંબઈ જો રવિવારે હારશે તો પંજાબ ફાઇનલમાં જશે અને મંગળવારે પંજાબ-બેંગલૂરુ વચ્ચે નિર્ણાયક મુકાબલો થશે અને એ સાથે, આઇપીએલને નવી ચૅમ્પિયન ટીમ મળશે.
બેંગલૂરુ કે પંજાબ, બેમાંથી કોઈ પણ ટીમ હજી સુધી એક પણ ટાઇટલ નથી જીતી શકી એટલે એમને આ વખતે ટ્રોફી પર કબજો કરવાનો સુવર્ણ મોકો છે.
મુંબઈની ટીમ એક પછી એક વિજય મેળવીને પૂરપાટ અમદાવાદ પહોંચી છે જ્યાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે પંજાબની ટીમે મુંબઈના ખેલાડીઓના જોશ અને જુસ્સાનો સામનો કરવાનો છે. હાર્દિક પંડ્યાની ટીમનો દરેક ખેલાડી (બૅટ્સમૅન કે બોલર) બહુ જ સારા ફૉર્મમાં છે અને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જેમ શુક્રવારે ગુજરાત ટાઇટન્સને સ્પર્ધાની બહાર કરી દીધું એમ રવિવારે શ્રેયસ ઐયરના પંજાબને પણ આઉટ કરી શકે. જોકે મુંબઈએ ઈજામુક્ત થયેલા પંજાબના સ્પિન-સમ્રાટ યુઝવેન્દ્ર ચહલથી ચેતવું પડશે.
ત્રણેય ટીમમાં પ્લે-ઑફમાં રમવાનો-જીતવાનો સૌથી સારો અનુભવ મુંબઈને છે. કૅપ્ટનોમાં એક તરફ, હાર્દિક પંડ્યા અને બીજી તરફ શ્રેયસ ઐયર હશે. કોચિંગના કાફલામાં માહેલા જયવર્દને (મુંબઈ) અને રિકી પૉન્ટિંગ (પંજાબ) વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જામશે.
મુંબઈની બૅટિંગ લાઇન-અપમાં રોહિત શર્મા તો ફૉર્મમાં છે જ, રાયન રિકલ્ટન પાછો જતો રહ્યા પછી જૉની બેરસ્ટૉના રૂપમાં આ ટીમને અનુભવી વિકેટકીપર-બૅટ્સમૅન મળી ગયો છે. ઇંગ્લૅન્ડના જ પેસ બોલર રિચર્ડ ગ્લીસનના આવવાથી પણ મુંબઈની ટીમ વધુ મજબૂત થઈ છે. જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટને તેનો તેમ જ હાર્દિક, દીપક ચાહર, અશ્વની કુમારનો સારો સાથ મળી રહ્યો છે.
ચડિયાતા પુરવાર થવા કયા હરીફ ખેલાડીઓ વચ્ચે ટક્કર
-હાર્દિક પંડ્યા વિરુદ્ધ શ્રેયસ ઐયર
-રોહિત શર્મા વિરુદ્ધ પ્રિયાંશ આર્ય/પ્રભસિમરન સિંહ
-જસપ્રીત બુમરાહ વિરુદ્ધ અર્શદીપ સિંહ
-સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ જૉશ ઇંગ્લિસ
-ટ્રેન્ટ બૉલ્ટ વિરુદ્ધ કાઇલ જૅમીસન
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, જૉની બેરસ્ટૉ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સૅન્ટનર, રાજ બાવા, રિચર્ડ ગ્લીસન, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ. 12મો પ્લેયરઃ અશ્વની કુમાર.
પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરપ્રીત બ્રાર, કાઇલ જૅમીસન, યુઝવેન્દ્ર ચહલ. 12મો પ્લેયરઃ વિજયકુમાર વૈશાક.