IPL 2025

મુંબઈએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, હૈદરાબાદને પ્રથમ આતશબાજીનો મોકો

ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમશે, ચિયરલીડર્સના પર્ફોર્મન્સ નહીં

હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આજે અહીં હૈદરાબાદના મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મૅચ પહેલાં ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ (Fielding) પસંદ કરી હતી. એ સાથે, હાર્ડ-હિટર્સ ધરાવતી હૈદરાબાદની ટીમને પ્રથમ બૅટિંગમાં આતશબાજીથી તોતિંગ સ્કોર નોંધાવવાની તક મળી હતી.

બીસીસીઆઇએ મૅચ પહેલાં જ જાહેરાત કરી હતી કે `પહલગામના આતંકી હુમલામાં ભોગ બનેલાઓને અંજલિ આપવા આ મૅચમાં ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમશે. આ મૅચ દરમ્યાન ચિયરલીડર્સના પર્ફોર્મન્સ નહીં યોજવામાં આવે તેમ જ સ્ટેડિયમમાં ફટાકડા પણ નહીં ફોડવામાં આવે.’

મુંબઈ ઇન્ડિયન્સે પેસ બોલર અશ્વની કુમારના સ્થાને સ્પિનર વિજ્ઞેશ પુથુરને ટીમમાં સમાવ્યો છે. રોહિત શર્માને ફરી એક વાર ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પસંદ કરવાના હેતુથી ઇલેવનની બહાર રખાયો હતો.

હૈદરાબાદની ટીમે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ઇલેવનમાં સ્થાન આપ્યું છે અને મોહમ્મદ શમીને ઇમ્પૅક્ટ પ્લેયરની યાદીમાં રાખ્યો છે.

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન (playing eleven)

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, વિલ જૅક્સ, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રીત બુમરાહ અને વિજ્ઞેશ પુથુર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ રોહિત શર્મા, કૉર્બિન બૉશ્ચ, સત્યનારાયણ રાજુ, રાજ બાવા, રૉબિન મિન્ઝ.

હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, અભિષેક શર્મા, હિન્રિક કલાસેન (વિકેટકીપર), ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અન્સારી અને એશાન મલિન્ગા. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અભિનવ મનોહર, સચિન બૅબી, મોહમ્મદ શમી, રાહુલ ચાહર, વિઆન મુલ્ડેર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button